Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો


પૂર્ણતા પામવા મનુષ્યના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન જરૂરી છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

૨૩ ગોલ્ડમેડલ અને ૦૪ સિલ્વરમેડલ સાથે કુલ ૭૬૬ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

(જી.એન.એસ) તા. 29

વેરાવળ,

ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે, તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન-પરંપરાના મૂળ આધારરૂપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના આધારે જ ગીતા, રામાયણ-મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે, તે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આપણે વૃક્ષના મૂળને પાણી આપીએ તો સમગ્ર વૃક્ષ હર્યુભર્યું બને છે. તે રીતે જ જો મનુષ્યને પૂર્ણતા પામવી હશે તો તેના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન કરવું જરૂરી છે. સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે, લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટે પ્રયત્નશીલ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યાલક્ષી કામગીરીને બીરદાવી હતી.

તેમણે કહ્યું કે, वेदोऽखिलो धर्ममूलम् એટલે કે, વેદ સર્વાધિક પ્રાચીન ગ્રંથ છે. જર્મન લેખક મેક્સમૂલરે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, વિશ્વની પહેલી લાઈબ્રેરી બની તેમાં જે પ્રથમ ગ્રંથ પ્રાપ્ત બન્યો તે વેદ જ હતો. વેદ પછી જ બાકીના અન્ય સાહિત્યનું સર્જન થયું છે.

વેદની ભાષા સંસ્કૃત છે. વેદનો કોઈ લેખક નથી. આજે કોઈ નાનું પુસ્તક પણ લખે તો તેમાં તેનું નામ અવશ્ય લખે છે પરંતુ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો કોઈ લેખક નથી. કારણકે ઋષિઓનું માનવું હતું કે, વેદમાં પીરસાયેલું  જ્ઞાન એ ઈશ્વરિય જ્ઞાન છે.

જ્ઞાનના વિવિધ આયામો સમજાવતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજી ગમે એટલી આગળ ધપે પરંતુ ધરતી પર મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે. તેને જો શીખવાડવામાં આવે તો જ શીખે છે. પ્રાણીઓને તે શીખવાડવું પડતું નથી. મનુષ્યએ મેળવેલું જ્ઞાન નૈમિત્તિક છે. કારણ કે, તેને શીખવા માટે નિમિત્ત બનવું પડે છે. જ્યારે પ્રાણીએ મેળવેલું જ્ઞાન સ્વાભાવિક હોય છે. છતાં, વધુ મહત્વની વાત એ છે કે, મનુષ્ય પોતે મેળવેલા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરીને તેને આગળ ધપાવે છે.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આપણી જ્ઞાન પરંપરામાં સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે. આ વેદ તમામ વિદ્યાઓથી પરિપૂર્ણ છે. કોઈ એવી વિદ્યા નથી કે જે વેદમાં નથી. તમામ સાહિત્યની રચનાઓનો આધાર વેદ છે.

વેદ જ્ઞાનનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે આ વિશ્વ બન્યું ત્યારે પરમાત્માએ માનવ અને પ્રાણીમાત્રના કલ્યાણ માટે વેદનું જ્ઞાન આપ્યું હતું. આ જ્ઞાનને અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગીરા નામના ચાર ઋષિઓના હ્રદયમાં સ્થાન આપી અને તેનો પ્રસાર કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વેદમાં રહેલું જ્ઞાન એ ઈશ્વરની વાણી છે. વેદમાં તમામ વિદ્યાઓનો સમાવેશ થાય છે. ભગવાન પૂર્ણ છે તો તેનું જ્ઞાન પણ પૂર્ણ છે અને માનવી અપૂર્ણ છે તો તેનું જ્ઞાન પણ અપૂર્ણ છે. આ પરમ જ્ઞાનને આજે મનુષ્ય વિસારી રહ્યો છે. આ ધરતીના પ્રાણીમાત્રના કલ્યાણનો આધાર વેદ છે. જેમાં જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવને કોઈ જ સ્થાન નથી. આદિકાળથી ઋષિ પરંપરાથી ચાલી આવતી આપણી મૂળ સંસ્કૃતિ અને તેનું જ્ઞાન જ વિશ્વશાંતિનો આધાર, સમાજ નિર્માણનો આધાર, સમાજની યુવાપેઢીના ઉપદેશનો આધારસ્તંભ બની રહેશે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ અંગ્રેજી ભાષાના જ્ઞાનના આધારે થયો છે. પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનાર સંસ્કૃતથી દૂર છે. જો આ બન્ને વચ્ચે તાલમેલ કરવામાં આવે તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી પરિણામ આપી શકે તેમ છે.

તેમણે સંસ્કૃતની મહત્તા વર્ણવતાં કહ્યું કે, આજે પણ જર્મન યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા અને ભારતીય વેદનું સંશોધન કરવામાં આવે છે. જર્મની વેદને તેના વિકાસ અને ઉન્નતિનો પરમઆધાર માને છે.

પોતાના જીવનમાં સત્ય અને ધર્મનું આચરણ કરજો. પોતાની વિદ્યાનો સદુપયોગ કરી બીજાને પણ આ વિદ્યાનું જ્ઞાન આપજો. સંશાધનોનો સદુપયોગ કરી ઉત્તરોત્તર પ્રગતિ કરો. નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરો. મેળવેલા જ્ઞાનને સમાજશ્રેયાર્થે વાપરી સમસ્ત સમાજ અને વિશ્વનું કલ્યાણ થાય તે દિશામાં કાર્યરત બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંતકુમાર સેનાપતિએ યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત કરતાં જણાવ્યું હતું કે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારત માટે પાયાના પથ્થર સાબિત થાય તે પ્રકારના વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં ગુણોત્કર્ષના માધ્યમથી વિદ્યાર્થીઓનો વિકાસ, શાસ્ત્રનું શિક્ષણ અને પ્રશિક્ષણ, રમતગમત સહિતની બહુઆયામી ઈત્તરપ્રવૃત્તિઓ સહિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું કૌશલ્ય વિકસે એ રીતે અધ્યયન કરાવવામાં આવી રહ્યું છે.

આ અવસરે રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે “શાસ્ત્રાધિગમ સંદર્ભે લૌકિકન્યાયાં:” (ડો.બી.ઉમા મહેશ્વરી), “ધર્મશાસ્ત્રસ્ય આધુનિકવિજ્ઞાનસ્ય ચ અન્તઃસંબંધમ” (ડો.વિશ્વબંધુ), “આયુર્વિજ્ઞાનમ”(ડો.સિહેચ નાગરાજુ), “યોગવિજ્ઞાનમ”(ડો.ભારતભૂષણરથ), “વિકસિતે ભારતે સંસ્કૃતમ”(ડો.પ્રિયવ્રત મિશ્ર) એમ પાંચ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૫ પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને ‘શોધવિભૂષણમ્’ પુરસ્કાર-૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો હતો.

આ અવસરે ઉચ્ચ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. નેકના પૂર્વ નિયામક શ્રી પ્રો. એસ. સી. શર્માએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. પ્રભારી કુલસચિવ શ્રી પ્રો. લલિતકુમાર પટેલે આભારવિધ કરી હતી.

આજના દિક્ષાંત સમારોહમાં શાસ્ત્રી (બી.એ.)-૩૪૦, આચાર્ય (એમ.એ.)-૧૯૫, પી.જી.ડી.સી.એ.-૧૬૯, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૨ અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)-૧૦ અને ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૦૪ સિલ્વરમેડલ (રજત પદક)  એમ કુલ મળીને ૨૭ જેટલા પદકો સાથે કુલ ૭૬૬ ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રધ્યાપકો, સંતો-મહંતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા

Gujarat Desk

મહાકુંભથી પરત ફરી રહેલા પરિવારને બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નડ્યો અકસ્માત, 6 ના મોત

Gujarat Desk

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ

Gujarat Desk

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ સમારોહ યોજાયો

Gujarat Desk
Translate »