આ ચમકદમક/ ઝાકમઝોળથી ભૂખ્યાં લોકોનું પેટ કે મન ભરાતું હશે?
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ સૂત્ર રુપાળું લાગે પણ છેતરામણું છે. સુરતમાં જાન્યુઆરી 2025ના પ્રથમ અઠવાડિયામાં સુરત રહેવાનું થયું. અડાજણ વિસ્તારમાં બહુમાળી એપાર્ટમેન્ટ/ સોસાયટીની અંદર વિકાસ માથું મારીને ઘૂસી ગયો છે ! આ સોસાયટીની માલિકીની જગ્યામાં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેટરે પોતાના નામ સાથેના બાંકડા સરકારી ખર્ચે મૂકાવ્યા છે. પૈસા લોકોના, નામ કોર્પોરેટરનું ! નૈતિકતા જેવું કશું જ નહીં ! જો કે આ ચેપ આખા ગુજરાતમાં ફેલાયેલો છે.
પોશ એરિયાની સોસાયટીની માલિકીની જગ્યામાં ખુદ સોસાયટીના લોકો બાંકડા ન મૂકાવી શકે? એક કરોડથી વધુ કિંમતે ફ્લેટ ખરીદનારાઓ બાંકડા વસાવી ન શકે? આની સામે શ્રમિક વસાહતમાં/ સ્લમ એરિયામાં આવી સુવિધા જોવા મળતી નથી. મત મેળવવા સૌનો સાથ, પણ વિકાસના ફળ અમુકને જ મળે, એ કેવું?
23 ડીસેમ્બર 2024ના રોજ, અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવેથી સીંધુભવન રોડ, તરફ હું જઈ રહ્યો હતો ત્યારે થોડીવાર તો એવું થયું કે હું અમેરિકાના City of lights-Las Vegasમાં છું ! આ ઝાકમઝોળ કોના માટે? અમીરો માટે જ ને? 18 જાન્યુઆરી 2025ના રોજ પણ આ ઝાકમઝોળ ચાલુ જ છે. માની લો કે આ લાઈટ-શણગાર એક વરસથી ચાલુ છે તો તેનું બિલ કેટલું થયું હશે? કોન્ટ્રાક્ટરનું હિત સાચવવા/ અમીરોને ખુશ કરવા/ વિકાસ દેખાડવાની ઘેલછાને કારણે આ દેખાડો ચાલુ રાખ્યો છે. Las Vegasની ઝાકમઝોળ ખાનગી કંપનીઓ તરફથી હોય છે, અમદાવાદની આ ઝાકમઝોળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છે ! જાહેર નાણાંનો કેવો દુર્વ્યય ! કોઈ છે પૂછનાર? મીડિયાને પણ આ દેખાતું નહીં હોય?
આ લાઈટની ચમકદમક હેઠળ; મોંઘવારી/ બેરોજગારી/ રુપિયાનું અવમૂલ્યન/ શિક્ષણ માફિયાનું શોષણ/ મેડિકલ માફિયાનો અનૈતિક ધંઘો / વ્યાજખોરોનો આતંક/ ગુંડાઓનો ત્રાસ/ બળાત્કારની શરમજનક ઘટનાઓ/ સામૂહિક આત્મહત્યાઓ વગેરે વાસ્તવિક સમસ્યાઓને સરકાર ઢાંકી રાખે છે.
સવાલ એ છે કે આ ચમકદમક/ ઝાકમઝોળથી ભૂખ્યાં લોકોનું પેટ કે મન ભરાતું હશે? આ ચમકદમક/ ઝાકમઝોળથી કુપોષણ દૂર થાય કે વધે? સરકાર આવી ચમકદમક/ ઝાકમઝોળ શ્રમિક વસાહતમાં કે સ્લમ વિસ્તારમાં કેમ કરતી નહીં હોય? આ વિકાસ પણ કેવો? માત્ર અમીરોના વિસ્તારમાં જ કેમ જોવા મળતો હશે?