મલ્ટિપલ ફેક્ચરના કેસમાં સજા આજીવન કેદની કરો !
IPC કલમ-44માં Injury-ઈજાની વ્યાખ્યા આપેલી છે. ‘ઈજા એટલે કોઈપણ વ્યક્તિને, શરીર, મન, પ્રતિષ્ઠા અથવા મિલકતને ગેરકાયદેસર રીતે થયેલ કોઈપણ નુકસાન.’ IPC કલમ-302માં હત્યા માટે મૃત્યુદંડ/ આજીવન કેદની જોગવાઈ છે. હત્યાની કોશિશ માટે 307માં આજીવન કેદની જોગવાઈ છે. 323 મુજબ સાદી ઈજા કરે તો 1 વરસ સુધીની કેદ થાય. 324 મુજબ dangerous weaponsથી ઈજા કરે તો 3 વરસ સુધીની કેદ થાય. 325 મુજબ grievous hurt-ગંભીર ઈજા કરે તો 7 વરસ સુધીની કેદ થાય. 326 મુજબ dangerous weaponsથી grievous hurt-ગંભીર ઈજા કરે તો 10 વરસ સુધીની કેદ થાય. જો ઈજા તેજાબ ફેંકીને કરે તો આજીવન કેદ સુધીની સજા થાય.
IPCની જગ્યાએ BNS-ભારતીય ન્યાય સંહિતા 2023એ સ્થાન લીધું. તેમાં ઈજાની વ્યાખ્યાની કલમ-44 છે. 302ની જગ્યાએ 103 છે. 307ની જગ્યાએ 109 છે. 323/ 324/325/326ની જગ્યાએ અનુક્રમે 115(2)/ 118(2)/ 117(2)/ 118 છે. ટૂંકમાં વ્યાખ્યા કે સજામાં કોઈ ફેરફાર નથી, માત્ર કલમના ક્રમમાં ફેરફાર કર્યો છે. એનો અર્થ એ છે કે સરકારે IPCની જગ્યાએ BNS અમલી કરતી વખતે વિચાર કર્યો નથી, માત્ર કાયદાનું નામ બદલીને વાહવાહી લૂંટવાની મેલી વૃતિ દેખાય છે. જેમકે ગુજરાત રાજ્યનો જન્મ થયો 1 મે 1960; પરંતુ ‘ગુજરાત પોલીસ એક્ટ 1951’ છે ! નામ બદલ્યું, વર્ષ બદલવાનું રહી ગયું ! આવું જ BNSનું છે, તેમાં માત્ર નામ અને વર્ષ બદલ્યું છે !
ગુજરાતમાં માથાભારે તત્વો/ અસામાજિક તત્વો/ જૂથબળવાળા જ્ઞાતિવાદી તત્વોનો બહુ ત્રાસ છે. આવા તત્વોને લોકો ઓળખે છે, અને એમનાથી બને તેટલાં શાંતિપ્રિય લોકો દૂર રહે છે. જૂના જમાનામાં વણિક વર્ગ વ્યાજનો ધંધો કરતા ત્યારે ઉઘરાણી માટે એકાદ માથાભારે તત્વને સાથે રાખતા, હવે વણિક વર્ગ વ્યાજનો ધંધો કરતો નથી પણ માથાભારે તત્ત્વો વ્યાજનો ધંધો કરે છે. એટલે કાં તો અત્યાચાર સહન કરવો પડે, કાં તો આત્મહત્યા કરવી પડે ! સરકાર આ સ્થિતિ જાણતી નથી એવું નથી, પણ આ સ્થિતિ અટકાવવા માટેની દ્રઢ ઈચ્છાશક્તિનો અભાવ છે.
ગુજરાતમાં માથાભારે તત્વોએ એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. કોઈ પણ શાંતિપ્રિય નાગરિકને/ પોતાના હક્ક માટે લડનારને/ એટ્રોસિટીનો વિરોધ કરનારને/ એક્ટિવિસ્ટને જાહેરમાં રોડ પર લાકડીઓ/ધોકાથી હાથ/પગ ભાંગી નાખવા ! જેના બન્ને હાથ અને બન્ને પગ ભાંગી નાખે તે વિક્ટિમની શું સ્થિતિ થાય? તેના પરિવારને કેટલું સહન કરવું પડે? દવાખાનાનો ખર્ચ કેટલો થાય? માનસિક ઈજા કેટલી પહોંચે? કેટલાંક કિસ્સામાં તો 10-15 કરતાં વધુ ફેક્ચર કરી નાખે છે. સરકારને આ ખબર નથી એવું નથી. પરંતુ સરકાર ગુંડાગીરીનો તમાશો જોઈ રહી છે. નાગરિકોમાં સામૂહિક અવાજ ઉઠાવવાની શક્તિ સરકારે રહેવા દીધી નથી, થોડો વિરોધ કરે ત્યાં તો પોલીસ એરેસ્ટ કરીને વિરોધને ગૂંગળાવી દે છે.
સોશિયલ મીડિયામાં 15 જાન્યુઆરી 2025ના રોજ, એક વીડિયો વાઈરલ થયો છે. કદાચ ચોટીલાનો છે. જાહેર રોડ પર ત્રણ ઈસમો, એક શસ્ત્રહીન નાગરિકને જોરજોરથી લાકડીઓના ઘા હાથ/પગ પર મારી રહ્યા છે. લોકો દૂરથી આવું ન કરવા પોકાર કરે છે. પરંતુ લાકડીધારી ઈસમોનું જૂથબળ સામે કોઈ નાગરિક આ અત્યાચાર અટકાવવા આગળ આવતા નથી. આ વીડિયો એટલો ખતરનાક છે કે તેને અહીં મૂકી શકાય તેમ નથી, માત્ર ફોટા મૂકું છું, જેના પરથી અત્યાચારનો ખ્યાલ આવે.
સવાલ એ છે કે હાથ/પગ ભાંગી નાખવાની આ મોડસ ઓપરેન્ડીને બંધ કરવા રાજ્ય સરકાર કંઈ ન કરી શકે? આવી ઘટનાઓમાં એકથી વધુ એટલે કે મલ્ટિપલ ફેક્ચર કરે તે આરોપીઓને ઓછામાં ઓછી 10 વરસની સજા અને આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી જોગવાઈ ન થઈ શકે? સરકાર પશુઓની હત્યા માટે સંવેદનશીલ છે, પણ માણસના હાથપગ ભાંગી નાખે તો સરકારની સંવેદનશીલતા ક્યાં જતી રહેતી હશે? કેન્દ્રના ગૃહમંત્રી જો લોકસભાની ચૂંટણીમાં પોતાના મતવિસ્તાર જુહાપુરામાં આજીવન કેદની શિક્ષા પામેલ ગુંજાનો ઉપયોગ કરે તો ફરિયાદ કોને કરવી? શું ગુજરાતના નાગરિક સંગઠનો/ મીડિયા અવાજ ઉઠાવશે?
કોઈ યુવતીના ગળા પર કોઈ હરામખોર છરી ફેરવી દે/ કોઈ હરામખોર માથાભારે તત્વો કોઈ માણસના હાથપગ ભાંગી નાખી તેમના પરિવારને આર્થિક/ માનસિક ખાઈમાં નાખી દે; તેવી ઘટના સમયે નાગરિકો બચાવવા વચ્ચે કેમ પડતા નથી? આ પ્રશ્ન કેટલાક લોકો કરે છે. પરંતુ આવો પ્રશ્ન કરનારને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ હોતો નથી. આવી ઘટનામાં વચ્ચે પડવું એટલે શહીદ બનવું. બધાં નાગરિકો કંઈ વસંત-રજબની જેમ શહીદી વહોરે નહીં. એવા વિરલા ભાગ્યે જ હોય. જીવ સૌને વહાલો હોય. આવી ઘટનાઓ ન બને તેની જવાબદારી નાગરિકોની નથી, પણ સરકારની છે. આપણા સમાજમાં અમુક જ્ઞાતિઓ જૂથબળવાળી છે. અને અમુક જ્ઞાતિઓ શાંતિપ્રિય છે. હિંસામાં જૂથબળ પણ ભાગ ભજવે છે. દલિતો/ વંચિતો નોધારા છે. તેના માટે ઉપરવાળો, નીચે વાળો કે આજુબાજુવાળો નથી, અરે સરકાર પણ તેની સાથે નથી !
સરકાર શું કરી શકે? [1] મલ્ટિપલ ફેક્ચરમાં ઓછામાં ઓછી સજા 10 વરસની અને આજીવન કેદ સુધીની જોગવાઈ કરવી. કેમકે આમાં વિક્ટિમની સ્વતંત્રતાનો ભંગ થાય છે. શાંતિપૂર્ણ જીવન જીવવાના અધિકારનો ભંગ થાય છે. [2] જામીન પર છૂટી શકે નહીં તેવી જોગવાઈ કરવી. [3] કોઈ નાગરિકને કોઈ માથાભારે તત્વો મલ્ટિપલ ફેક્ચર કરે તો તે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા છે, એટલે સારવારનો તમામ ખર્ચ સરકાર ઊઠાવે. [4] પીડિત પરિવારને માનસિક આઘાત માટે વળતર ચૂકવાય. [5] વીડિયોને પુરાવા તરીકે પ્રાધાન્ય આપવામાં આવે. [6] જે પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવી ઘટના બને તેના સુપરવાઇઝરી અધિકારીને નિષ્ક્રિયતા માટે જવાબદાર ઠરાવવા. માથાભારે તત્વો વિરુદ્ધ અરજીઓ થઈ હોય અને પૂરતા અને અસરકારક અટકાયતી પગલાં લેવામાં નિષ્ફળ રહેલ હોય; માથાભારે તત્વો સામેની ફરિયાદનું બર્કિંગ કરેલ હોય કે ગુનાને મિનિમાઈઝ કરેલ હોય તેવું મોટાભાગે જોવા મળે છે. નાગરિકોને સુરક્ષા જોઈએ છે, પોલીસના દરબારી-ભાષણો નહીં ! [7] નાગરિકો પોલીસથી સુરક્ષા અનુભવે અને ગુંડા તત્વો પોલીસનો ડર અનુભવે, તેવી નીતિ ઘડવી.