મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.10 થી 20 જાન્યુઆરી, 2025 સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લઈને સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે ‘સ્નેક રેસ્ક્યુ એપ’નું લોન્ચિંગ તેમજ રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરવામાં આવેલ છે, જેના પર મેસેજ કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે, જેના પર સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ-પક્ષીઓનો જીવ બચાવી શકશે.