સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ. ૨૦૯.૧૦ કરોડનો ખર્ચ કરાયો
(જી.એન.એસ) તા. 10
ગાંધીનગર,
વિધાનસભાગૃહ ખાતે સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સાગરકાંઠા વિસ્તારમાં ગુણવત્તા યુકત વીજળી મળે તે માટે આ યોજના કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨૦૯.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પેટાપ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં રૂ.૧૦૦૯ કરોડના ખર્ચે ૭૩,૭૬૨ કિ.મી. જર્જરિત વીજ લાઈનો અને ૧,૭૪,૩૮૨ થાંભલા બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૨૫૩૪.૬૯ કરોડના ખર્ચે ૨૩૬ નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ રૂ. ૧૯૯૮ કરોડના ખર્ચે ૧,૩૨,૯૯૬ નવીન ખેતીવાડી વીજ જોડાણ આપ્યા છે.
સાગરકાંઠાના વિસ્તારોમાં ખારાશને લઇને થતાં ખવાણને કારણે વીજ વાયરો તથા અન્ય મટિરિયલ્સ અવાર-નવાર તૂટી જતુ હોય છે. આ યોજના હેઠળ સાગરકાંઠા વિસ્તારની જર્જરિત વીજ લાઈનો અને થાંભલા બદલવામાં આવે છે. આ ઉપરાંત સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના થકી સાગરકાંઠા વિસ્તારમાં નવા સબસ્ટેશનો તથા સાગરકાંઠા વિસ્તારના ખેડૂતોને નવા ખેતીવાડી વીજ જોડાણ અપાય છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.