યુવતીના સરઘસે કોને કોને નિર્વસ્ત્ર કર્યા?
29 ડીસેમ્બર 2024ના રોજ, રાત્રે પોલીસ દ્વારા અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાની શરમજનક ઘટના સમાજને એ સંદેશ આપે છે કે રાજકીય/ સામાજિક/ ધાર્મિક સત્તા નાગરિકોને રમકડાની માફક નચાવે છે. ત્યાં લાગણી/ સંવેદના/ ગૌરવનું કોઈ સ્થાન હોતું નથી. અમરેલી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. અમરેલી ફરતા જિલ્લામાંથી તમે અમરેલી જિલ્લાની હદમાં પ્રવેશ કરો એટલે તરત જ ખબર પડી જાય ! કેમકે આખા ગુજરાતમાં સૌથી વધુ ખરાબ રોડ હોય તો તે અમરેલી જિલ્લાના છે. અમરેલીના નેતાઓ રોડ પણ ચાવી જાય છે !
સૌથી મોટો સવાલ એ છે કે યુવતીના સરઘસે કોને કોને નિર્વસ્ત્ર કર્યા?
પોલીસ : ગંભીર ગુનો ન હોવા છતા મધરાતે યુવતીને એરેસ્ટ કરી, માનવ ગૌરવનો ભંગ કરવા સરઘસ કાઢ્યું. સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે મહિલાને એરેસ્ટ કરી શકાય નહીં છતાં પોલીસે ઈરાદાપૂર્વક કાયદાનો ભંગ કર્યો. પોલીસ સત્તાનો દુરૂપયોગ કરે છે. પોલીસ કાયદો જાણતી નથી, સમજદાર નથી એવું નથી; પરંતુ સત્તાપક્ષના ધારાસભ્યને રાજીરાજી કરવા પોલીસ નિર્લજ્જતાથી પોતાની ફરજ વિરુદ્ધનું કામ કરે છે. પોલીસ આવું એટલે કરે છે કે પોલીસની બદલી/ નિમણૂક પર સત્તાપક્ષના સ્થાનિક ધારાસભ્ય/ સંસદસભ્યનું નિયંત્રણ છે. પોલીસ કાયદા મુજબ નહીં પણ સત્તાપક્ષના નેતાના ઈશારે કામ કરે છે. ન્યાય નીતિ સૌ નાગરિકોને, સત્તાપક્ષના આખલાઓને સૌ માફ ! સત્તાપક્ષે સાબિત કર્યુ કે પોલીસ નાગરિકો માટે નથી, પણ સત્તાપક્ષની સેવા માટે છે, ગુલામી માટે છે ! પાયલ ગોટી જાણે આતંકવાદી હોય/ હત્યારી હોય/ બુટલેગર હોય તે રીતે અમરેલી SP સંજય ખરાતે તેને હાજર રાખી પ્રેસ કોન્ફરન્સ કરી, ચાપલૂસીનો પુરાવો આપ્યો ! SPએ SITની રચના કરી, આ SIT કેવી તપાસ કરે? કાતિલ ખુદ જજ બને તો ન્યાય મળે?
ન્યાયતંત્ર : ન્યાયતંત્ર પણ પોલીસતંત્ર જેવું જડ/ સંવેદનહીન અને ચાપલૂસ બની ગયું છે. મૌખિક આદેશમાં ‘તોડી નાખું ફોડી નાખું’નો સ્વર હોય છે, પણ લેખિત આદેશમાં સરકાર સામેનો આક્રોશ ગૂમ થઈ જાય છે. જજ પણ સત્તાપક્ષની લાજ કાઢે છે ! પાયલ સામે ગુનો બનતો ન હોવાથી પોલીસે CrPC કલમ-169 હેઠળ કોર્ટને રીપોર્ટ કર્યો ત્યારે કોર્ટે નામંજૂર કર્યો ! પાયલનો કોઈ ગુનાહિત ઈરાદો ન હોવા છતાં તેને આરોપી તરીકે કેમ ચાલુ રાખી હશે? માનવ અધિકાર પંચ/ મહિલા આયોગ પણ પણ ઘસઘસાટ ઊંઘે છે !
સરકાર/ સત્તાપક્ષ : નાગરિકો મરે કે જીવે તેની કોઈ ચિંતા સત્તાપક્ષને નથી. સત્તાપક્ષના આખલાઓ અંદરોઅંદર ઝઘડે છે તે સેવા માટે નહીં પણ પૈસા માટે. પોતાના સ્વાર્થ માટે મહિલાના ગૌરવને કચડી નાખતા પણ શરમ અનુભવતા નથી. નિર્લજ્જ બની ગયા છે. સંસ્કૃતિની / ભારતમાતાની/ બેટી બચાવોનો ગોકીરો કરનારા દીકરીનું સરઘસ કાઢવામાં આવે ત્યારે દ્રષ્ટિહીન/ મૂંગા બની જાય છે. શરમ અનુભવવાને બદલે ‘આને સરઘસ ન કહેવાય, ગુનાનું રીકન્સ્ટ્રક્શન કહેવાય’ તેમ કહી લોકોને મૂર્ખ બનાવે છે. શું સરકારને CCTV ફૂટેજ દેખાતા નહીં હોય? યુવતીનું સરઘસ કાઢનાર પોલીસ સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? જૂઠ્ઠું બોલનાર અમરેલી SP સામે સરકાર કેમ દ્રષ્ટાંતરુપ કાર્યવાહી કરતી નથી?
સમાજનેતાઓ : ભાષણોમાં સરદાર પટેલની હિમ્મત/ ખુમારીની વાત કરનાર સમાજ નેતાઓ જાણે પોતાનું ખસીકરણ છૂપાવતા હોય; તે રીતે ‘જય સરદાર’ના બદલે ‘જય સરકાર’નો જાપ જપવા લાગ્યા ! સમાજની દીકરી કરતાં પોતાના સ્વાર્થના કારણે/ સત્તાપક્ષને ખોટું ન લાગે તે માટે મૂંગા રહ્યાં. મત મેળવવા ‘સમાજ સમાજ’ કરે છે, ચૂંટાઈ ગયા પછી ‘મારું શું, મારું શું’ કરે છે ! સરઘસ દ્વારા માનહાનિ કરવા સબબ અમરેલી પોલીસ વડા સંજય ખરાત સામે કાર્યવાહી કરવા સમાજનેતાઓ કેમ શરમાતા હશે?
પાટીદાર સમાજ : પાટીદાર સમાજના યુવાનોએ પાયલની તરફેણમાં બુલંદ અવાજ કર્યો, તે આવકારદાયક છે; પરંતુ તેમના અવાજને કચડી નાખવા પોલીસ તથા સત્તાપક્ષ સફળ થયાં. પાટીદાર યુવાનોએ સમજવાની જરુર છે કે સમાજના કોઈ પણ વર્ગની યુવતીની માનહાનિ થાય ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ. માત્ર પાટીદાર યુવતીને અન્યાય થાય ત્યારે જ અવાજ કરવાનો? ગરીબ/ વંચિત/ દલિત/ આદિવાસી/ લઘુમતી યુવતી સાથે અન્યાય થાય તો પાટીદારોને તે અન્યાય ન લાગે તે કેવું?
નાગરિક સમાજ : આટઆટલો અન્યાય થાય છે, લોકો ડૂબી રહ્યા છે, સળગી રહ્યા છે, મોંઘવારી-બેરોજગારીમાં કચડાઈ રહ્યા છે; છતાં ક્રિમિનલ/ તડિપાર/ યૌન શોષણ કરનારને મત આપવા આપણે હરખઘેલાં કેમ બની જઈએ છીએ? શું ‘નકલી ધર્મવાદ-રાષ્ટ્રવાદ’ના નશામાં આપણે વિવેકભાન ગૂમાવી ચૂક્યા નથી? સત્તાપક્ષ નાગરિકોને જ્ઞાતિ/ જાતિ/ વર્ણ/ ધર્મ/ સંપ્રદાયમાં વહેંચી રહ્યો છે; માણસ માણસ વચ્ચે ભેદભાવ કરી રહ્યો છે; અન્યાય થાય એટલે જ્ઞાતિ/ જાતિ/ વર્ણ/ ધર્મ/ સંપ્રદાયમાં વહેંચાઈને આપણે ગોકીરો કરીએ છીએ પરંતુ એક સાથે સામૂહિક અવાજ ઊઠાવવાનું સૂઝતું નથી ! સરકાર/ સત્તાપક્ષ સામે અવાજ ઊઠાવવાની નાગરિક સભાનતા આપણે કેમ દાખવતા નથી? આપણામાં નાગરિક સભાનતા પ્રગટે નહીં, એટલે જ સત્તાપક્ષ આપણને જ્ઞાતિ/ જાતિ/ વર્ણ/ ધર્મ/ સંપ્રદાયમાં વહેંચી રહ્યો નથી?
ધન્યવાદ છે એડવોકેટ આનંદ યાજ્ઞિકને, જેમણે પાયલ ગોટીને ન્યાય અપાવવા નાગરિક સમાનતાની મશાલ પ્રગટાવી !rs