મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની નવી ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કાર્યક્ષેત્રમાં આગવું પ્રદાન આપનારા બેસ્ટ એચિવર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેતીથી માંડીને નાની-મોટી ઇન્ડસ્ટ્રી સહિત દરેક ક્ષેત્રોમાં પ્રગતિ થવા પામી છે. તેમણે ઉદ્યોગોમાં પર્યાવરણ જાળવણી બાબતે જાગૃત રહી ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.