મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય પોર્ટ્સ-શિપિંગ-વોટરવેઝ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય શ્રમ-રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી ડૉ.મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થઈ રહેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી.
ગુજરાતની સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને સાકાર કરતા NMHCનો તબક્કો 1A હાલ નિર્માણાધીન છે, જે હેઠળ તૈયાર થનાર મ્યુઝિયમમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ગેલેરીઓમાં INS નિશાંક, સી-હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર, નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.