ભારતીય ટીમની એડિલેડ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમના હેડ કોચ ગંભીર પર સવાલો ઉભા થયા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ આગામી ત્રણ ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરે તેવી આશા છે.
ભારતીય ટીમને એડિલેડ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે કોચ ગૌતમ ગંભીર પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગંભીરનું હેડ કોચ તરીકેનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને હવે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે પણ મુશ્કેલી વધી ગઈ છે.
ભારતીય ટીમના પૂર્વ બેટર ગૌતમ ગંભીર ટી-20 વર્લ્ડ કપ 2024 બાદ જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા હતા. ગંભીરે રાહુલની જગ્યા લીધી હતી. જો કે ભારતીય ટીમની એડિલેડ ટેસ્ટમાં ખરાબ રીતે હાર થતા જ હવે તેમના કોચિંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતની આ હારથી સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે તેમજ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ પહોંચવા માટે પણ મુશ્કેલી વધી ગઈ છે.
ગંભીરના કોચિંગને લગભગ પાંચ મહિના જેટલો સમય થઈ ગયો હશ પરંતુ ટીમને અત્યાર સુધીમાં પાંચવાર ફજેતીનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ફક્ત 19 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો, જે કંગારૂ ટીમે વિના વિકેટે જ હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ શનિવારે (14 ડિસેમ્બર) બ્રિસબેન રમાશે.
- ગૌતમ ગંભીર કોચિંગમાં પહેલી સીરિઝ શ્રીલંકા સામે રમાઈ હતી, જેમાં ભારતની ટીમે ટી-20 સીરિઝ 3-0થી જીતી હતી, જો કે વનડે સીરિઝમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી દ્રીપક્ષીય સીરિઝમાં વર્ષ 1997 પછી ભારતે પહેલીવાર વનડે સીરિઝ ગુમાવી હતી.
- ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 46 રન જ કરી હતી. ટેસ્ટ ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી ઓછો સ્કોર હતો. તે મેચમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 19 વર્ષ બાદ ભારતીય ટીમ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ હારી હતી.
- આ પછી, ભારતીય ટીમને પુણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના હાથે 113 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાનખેડે ટેસ્ટમાં પણ તેને 25 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડે ભારતને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
- ભારતીય ટીમ 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી. આ પહેલા ભારતીય ટીમને ડિસેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડ સામેની તે સીરિઝ પહેલા ભારતીય ટીમે ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી હતી.
- હવે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની સારી શરૂઆત કરી હતી અને પર્થ ટેસ્ટમાં 295 રનથી જીત મેળવી હતી. જોકે, ભારતીય ટીમ પીંક બોલ ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ મેચ ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આ મેચમાં માત્ર 1031 બોલ ફેંકાયા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી, જેનું પરિણામ આવ્યું.
ગંભીરે બોર્ડ પાસેથી કોચિંગ સ્ટાફની માંગણી કરી હતી
ગૌતમ ગંભીરે જ્યારે હે઼ડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસેથી પોતાના પસંદગીના કોચિંગ સ્ટાફની માંગણી કરી હતી. બીસીસીઆઈએ પણ ગંભીરની માંગ સાંભળીને અભિષેક નાયર અને રેયાન ટેન ડોશેટને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી મોર્ને મોર્કેલની બોલિંગ કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત રહ્યા હતા. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પણ દિલીપ આ જ ભૂમિકામાં હતા.
ત્રણ ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરે તેવી આશા
નોંધનયી છે કે, ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સિલેક્શનમાં પણ ભાગ લીધો હતો. મુખ્ય કોચ ટીમની પસંદગીમાં ભાગ લઈ શકતા નથી, પરંતુ બીસીસીઆઈએ ગંભીર માટે નિયમમાં પણ ફેરફાર કર્યો હતો. હવે જ્યારે સારા પરિણામો નહીં આવે તો ચોક્કસ પ્રશ્નો ઊભા થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટની હારમાંથી પાઠ શીખશે અને આવનારી ત્રણ ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરશે.