મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, એરંડાના ઉત્પાદન સાથે સંકળાયેલ દેશ-વિદેશના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ‘કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર’ થીમ સાથે ગાંધીનગર ખાતે આયોજિત ‘SEA Global Castor Conference 2025’નો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે એરંડાનું ઉચ્ચ ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂતોને ‘કેસ્ટર ઈનોવેશન એવોર્ડ’ તેમજ વર્ષ-2024માં સૌથી વધુ કેસ્ટર ઓઈલની નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરિવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર અન્ય દેશના ઉદ્યોગકારોને વિવિધ એવોર્ડ્સ તથા મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતે હરહંમેશ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે. તેમણે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં ગુજરાતના સિંહફાળાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકાર દ્વારા એરંડા ક્ષેત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ કરવાના સફળ પ્રયાસોની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ કોન્ફરન્સને એરંડા ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં આ ક્ષેત્રના વિકાસ માટેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાવી રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.