ઉત્તરાયણનાં તહેવાર પહેલા વેપારીઓ દ્વારા પતંગ તેમજ દોરીનો સ્ટોક શરૂ કરી દીધો છે. રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં કેટલાક લેભાગુ વેપારીઓ ચાઈનીઝ દોરીનો સ્ટોક કરી રહ્યા હોવાનું પોલીસનાં ધ્યાને આવવા પામ્યું હતું. આણંદ પોલીસને મળેલ બાતમીનાં આધારે આણંદમાંથી ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા બે લોકોને આંકલવા પોલીસે ઝડપી પાડ્યા હતા.
આંકલવા પોલીસે ઉમટા પાસેથી ચાઈનીઝ દોરીની હેરાફેર કરી રહેલા બે લોકોને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ હાથ ધરતા તેઓએ ચાઈનીઝ દોરીની 96 રીલ હોવાનું જણાવતા પોલીસે તે તમામ રીલ જપ્ત કરી લીધી હતી. તેમજ રીલ સહિત કુલ 44 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે મહેશ અને શૈલેષ નામનાં બે આરોપીની અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી
ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસ દ્વારા 4.72 લાખથી વધુની કિંમતના 1890 રીલ પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. નોંધનિય છે કે, ઉત્તરાયણના તહેવારને હજી દોઢ મહિના જેટલી વાર છે. પરંતુ અનેક વેપારીઓ પહેલા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો સ્ટોક કરતાં હોય છે. જોકે પોલીસ પણ આવા લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે.
અમદાવાદનાં ગોમતીપુરમાંથી પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાયો છે. ગોમતીપુર પોલીસ દ્વારા 4.72 લાખથી વધુની કિંમતના 1890 રીલ પકડી પાડવામાં આવ્યા છે. વિગતો મુજબ મુનીરશેઠ ટેકરા પાસે મકાનમાં ચાઈનીઝ દોરીનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. જોકે પોલીસ આ જથ્થો પકડી લીધા બાદ નૌમાનખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને ફઝલખાન ઉર્ફે ફજ્જુની પોલીસે શોધખોળ હાથ ધરી છે.