બ્રિટનમાં પોતાના નિવેદન માટે સરકાર દ્વારા માફી માંગવાની માંગને લઈને થયેલા હોબાળા વચ્ચે રાહુલ ગાંધીએ બુધવારના રોજ ઈલારા નામની એક વિદેશી સંસ્થા પર સવાલ ઉઠાવીને અદાણી જૂથ અને સરકાર પર વધુ એક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ તેમની વિદેશ યાત્રા પરથી દિલ્હી પરત ફર્યા બાદ આરોપ લગાવ્યો કે અદાણી ગ્રુપ અને ઈલારાને મિસાઈલ અને રડાર અપગ્રેડ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં શું લખ્યું?
એક ટ્વીટમાં તેમણે કહ્યું, “ભારતની મિસાઈલ અને રડાર અપગ્રેડ કોન્ટ્રાક્ટ અદાણીની માલિકીની કંપની અને ઈલારા નામની શંકાસ્પદ વિદેશી સંસ્થાને આપવામાં આવ્યા છે. ઈલારા પર કોણ નિયંત્રણ કરી રહ્યું છે? વ્યૂહાત્મક સંરક્ષણ સાધનોનું નિયંત્રણ અજાણી વિદેશી સંસ્થાઓને આપીને શા માટે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે?”
જણાવી દઈએ કે આ દિવસોમાં જ્યાં રાહુલ ગાંધી લંડનમાં પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં છે, ત્યાં અદાણી વિવાદ પર વિપક્ષ એકજૂટ છે. જો કે તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસની આગેવાની હેઠળના જૂથબંધીથી દૂર રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના UK ભાષણમાં રાહુલ ગાંધીની કોઈપણ પ્રકારની માફીનો ઈન્કાર કર્યો છે. ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કંઈ ખોટું નથી કહ્યું અને માત્ર લોકશાહીની વાત કરી છે, જ્યારે વડાપ્રધાને વિદેશમાં ઘણી જગ્યાએ વાત કરીને દેશનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીના નિવેદન પરના હોબાળા વચ્ચે કોંગ્રેસે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટી આ મુદ્દે ઝૂકવાની નથી અને આ મુદ્દે આક્રમક બનશે અને હિંડનબર્ગ-અદાણી વિવાદમાં જેપીસીની માંગ કરશે.
પીએમ મોદી પર ખડગેનો પ્રહાર
પીએમ મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કર્યું હતું કે, “હું તમને ચીનમાં આપેલા તમારા નિવેદનની યાદ અપાવવા માંગુ છું. તમે કહ્યું, પહેલા તમને ભારતીય હોવા પર શરમ આવતી હતી. હવે તમને દેશનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ થાય છે, શું આ ભારત અને ભારતીયોનું અપમાન ન હતું? તમારા મંત્રીઓને કહો કે તેમની યાદો તાજી કરે.”