



સંખેડા પાસેના ગામની યુવતીએ પિતૃછાયા ગુમાવી હતી. આથી આર્થિક સંકળામણનો સામનો કરતી યુવતીને વડોદરામાં મોબાઇલ શોપમાં નોકરી અપાવવાની લાલચ આપી એક નરાધમ યુવકે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આથી પીડ઼િત યુવતીએ આત્મહત્યા કરવાનું મન બનાવી લેતા અભયમ ટીમે તેનું કાઉન્સેલિંગ કરી તેને આપઘાત કરવાથી રોકી હતી.
પરિવારને આર્થિક મદદ કરવા યુવતી નોકરી માટે વડોદરા આવી હતી
માહિતી મુજબ, સંખેડા નજીક આવેલા એક ગામમાં રહેતી યુવતીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આથી પરિવારને આર્થિક મદદ કરવા યુવતીએ નોકરી કરવાનું વિચાર્યું હતું અને વડોદરા નોકરીની શોધમાં આવી હતી. અહિં, એક શખ્સે યુવતીને મોબાઇલ શોપમાં નોકરી અપાવવાની વાત કરી હતી અને બાઇક પર અજાણ્યાં સ્થળે લઈ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવતીને અધવચ્ચે મૂકીને ફરાર થઈ ગયો હતો.
આથી વડોદરા શહેરમાં એકલી યુવતીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ, આ પહેલા યુવતીએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમ ટીમે યુવતીની આપવીતી સાંભળ્યા બાદ તેને આશ્વાસન આપ્યું હતું અને આત્મહત્યા ના કરવા સમજાવી હતી. આ મામલે આગળની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં દ્વારા કરવામાં આવી રહી છે.