



મોરબીના શક્તિ ચેમ્બરની અનેક દુકાનોમાં ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે જેમાં શક્તિ ચેમ્બર ૧ અને ૨ ની અનેક દુકાન અને ઓફીસના તાળા તૂટ્યા બાદ બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના કેનાલ રોડ પર આરાધના નગર શેરી નં ૦૨ માં રહેતા મિલનભાઈ જશમતભાઈ ભીમાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે શક્તિ ચેમ્બર ૦૨ માં પહેલા માળે દુકાન નં ૧૧૨ માં તેમની ક્લિક ટાઈ નામની દુકાન આવેલ છે જ્યાં બેસી તેઓ વેપાર કરે છે ગત તા. ૨૬ ના રોજ સાંજે તેઓ દુકાન બંધ કરી ઘરે આવ્યા હતા અને તા. ૨૭ ના રોજ સવારે દુકાને આવતા દુકાનનું એક બાજુનું શટર ઊંચું હતું જેથી દુકાનનું શટર ખોલી અંદર જોતા દુકાનના ટેબલના ખાનાનું લોક ખુલ્લું હતું જેમાં રાખેલા કાગળો વેરવિખેર હતા અને રોકડ આશરે રૂ ૨૨૦૦ ચોરી થયાનું માલૂમ પડ્યું હતું
જે બનાવને પગલે આજુબાજુમાં આવેલ દુકાનોમાં તપાસ કરતા અન્ય દુકાનના શટર ઊંચા કરેલ હોવાનું જણાવ્યું હતું અને વેપારીઓ એકત્ર થઈને વધુ તપાસ કરતા શક્તિ ચેમ્બર ૧ માં આવેલ દુકાનોમાં પણ રાત્રીના શટર ઊંચા કરીને અજાણ્યો ઇસમ પ્રવેશ કરી પરચુરણ રકમની ચોરી કરી હતી જેથી દુકાનોમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઇસમ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં દુકાનો પાસે આવી દુકાનના શટર ઊંચા કરીને પ્રવેશ કરતો જોવા મળ્યો હતો કોઈ મોટી રકમની ચોરી થઇ નથી પરંતુ ફરી ચોરી ના થાય તેવા હેતુથી વેપારીઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો બી ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે