બારડોલી : પ્રમુખ સ્વામી મહારાજે કરેલા સંકલ્પના 39 વર્ષ બાદ બારડોલી તાલુકાનાં સરભોણ ગામે સ્વામિનારાયણ મંદિર બનવા જઇ રહ્યું છે. સરભોણના તળાવ કિનારે બનવા જઈ રહેલ આ નુતન મંદિરની ખાતમુહૂર્ત વિધિ મંગળવારના રોજ કરવામાં આવી હતી. વર્ષ 1984માં પ્રમુખ સ્વામી મહારાજે બારડોલી તાલુકાનાં સરભોણમાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ 39 વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે. સરભોણમાં તળાવ કિનારે વિશાળ જમીન દાતા તરફથી પ્રાપ્ત થયા બાદ મંગળવારના રોજ શાસ્ત્રોક્ત રીતે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. પ્રશાંતમુનિ સ્વામીએ મહાપૂજા કરીને ઠાકોરજીનું આહ્વાન કર્યું હતું. જમીનના પાયામાં પૂ. નારાયણચરણ સ્વામી, પૂ. પુણ્ય દર્શન સ્વામી અને સાંકરીના સંતોએ મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રસાદીભૂત થયેલી ઈંટો પ્રસ્થાપિત કરી હતી.
બાદમાં હાજર રહેલા તમામ હરિભક્તો અને ગ્રામજનોએ ઈંટો મૂકી ધન્યતાનો અનુભવ કર્યો હતો. કોઠારી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પૂ.નારાયણચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોની સ્મૃતિ કરી હતી. પૂ. ધ્યાન જીવન સ્વામીએ જમીન કેવી રીતે પ્રાપ્ત થઈ તેનો રસપ્રદ ઇતિહાસ જણાવ્યો હતો અને કાર્યમાં સહકાર આપનાર દેશ વિદેશના હરિભક્તોનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંકરી મંદિરના ભંડારી પૂ. નારાયણપ્રિય સ્વામીએ તમામ હરિભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરી હતી. સરભોણ અને બારડોલી ના હરિભક્તો અને યુવાનો અને સાંકરીના સંતોએ પરિશ્રમ કરીને અદ્ભુત આયોજન કર્યું હતું. ફોટો