બારડોલી : સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને સુરતના કેર ઇન્ડિયા, સેલ એનર્જીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂત શિબિર યોજવામાં આવી હતી.
આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. નિકુલસિંહ ચૌહાણે ખેડૂતોને હલકા ધાન્યો પાકોની ખેતી તરફ વળવાનો અનુરોધ કર્યો હતો. વેચાણ વ્યવસ્થા માટે યુનિવર્સિટી જરૂરી મદદ પુરી પાડશે તે જણાવીને ઉમરપાડા ગામના સ્વસહાય જુથની બહેનોની કામગીરીને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કરી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.એય. રાઠોડે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી. સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ભક્તિ પંચાલે બાગાયતી પાકોમાં શાકભાજી પાકોની ખેતી પર ભાર મૂકી અન્ય પાકોની તુલનાથી વધારે નફો કેવી રીતે મેળવી શકાય તે અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. સ્વસહાય જુથની બહેનો દ્વારા વિવિધ સ્ટોલ જેવા કે અગ્નિઅસ્ર, બેકરી ઉત્પાદનો, ફોડર યુનિટ, એઝોલા યુનિટ તથા યુનિવર્સિટીની વિવિધ પેદાશોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાતકાશી જુથ, વિશ્વાસ બેકરી શાળા, એઝાલા યુનિટ વગેરેનાં સ્ટોલ લાગવામાં આવ્યા હતા. ઉપસ્થિત ખેડૂતોને કીટમાં ર૦૦ લીટર બેરલ, ૫૦ કિલો વર્મિકમ્પોસ્ટ, ર લિટર નોવેલ, ૧ લિટર અગ્રનિઅસ્ત, યેલ્લો સ્ટીકી ટ્રેપ અને ફેરોમોન ટ્રેપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેર ઈન્ડિયાના પ્રોગ્રામ મેનેજર સંજયભાઈએ GLPC ના તાલુકા લાઈવલીહૂડ મેનેજર વિજયભાઈ વસાવા, કેર ઇન્ડિયા તરફથી વિપુલભાઈ, ઉમરપાડા તાલુકામાં સ્વસહાય જુથ ચલાવતા બહેનો અને અંદાજીત ૧૫૦ જેટલા ખેડૂત ભાઈ બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા
