જી.એમ.ડી.સી. બાજુની જગ્યા પર બની રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૪૯૬ આવાસનું બાંધકામ છેલ્લા એક વર્ષથી અટકી પડયું છે જે અંગે કોન્ટ્રાક્ટરની કાર્યવાહી હાલમાં જ પૂર્ણ થઇ હોય આગામી માસથી કામ શરૂ થવાના એંધાણ વર્તાયા છે જે એકાદ વર્ષ બાદ મકાન સોપણી થાય તેવું સુત્રોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા ઘરનું ઘર સ્વપ્નને સાકાર કરવા સરકારી જમીન પર આવાસ યોજના એક પછી એક લોંચ કરી અને લોકોએ બહોળો પ્રતિસાદ પણ આપ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તરસમીયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને જીએમડીસી કોલોનીની બાજુની વિશાળ જગ્યા પર ૨૪૯૬ આવાસ બાંધવાની સ્કીમ અમલમાં મુકાઇ અને કામ શરૂ પણ થયું પરંતુ જે યોજના અંતર્ગત ત્રણ લાખ અને સાડાપાંચ લાખ એમ બે ફેસમાં આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જે આવાસ માટે જરૂરીયાતમંદોએ ફોર્મ ભર્યાં, નિયત રકમ ભરી, નામ નોંધણી કરાવી દીધી છે અને મોટાભાગનાની ફોર્માલીટી પૂર્ણ થઇ છે પરંતુ ૨૪૯૬ આવાસ બાંધવામાં એક કામ પૂર્ણતાના આરે હતું એટલે કે ૧૦ ટકા કામ બાકી હતુ ત્યારે અને બીજા કામમાં હજુ ૫૦ ટકા જ કામ થયું હતું તેવા સમયે મટીરીયલમાં ભાવ વધારો આવતા અને કોન્ટ્રાક્ટરના બેન્ક ઇસ્યુ ઉભા થતા છેલ્લા એકાદ વર્ષથી કામ અટકી પડયું છે અને લાભાર્થી ૨૪૯૬ પરિવારો ઘર ક્યારે મળશે તેની રાહ જોઇ રહ્યા છે. તો ઘણા લાભાર્થીઓ હાલ ઘર ન મળે ત્યાં સુધી ભાડે રહેવા પણ મજબુર બન્યા છે. જો કે, વહીવટી સ્તરે અટકેલું કામ પુનઃ કાર્યરત કરવા મિટીંગો કરી હતી અને કોન્ટ્રાક્ટ માટે નવી પ્રોસીઝર શરૂ કરાઇ હતી જે પૂર્ણ થઇ છે. સિક્યુરીટી ડિપોઝીટ ભરપાઇ થયે વર્ક ઓર્ડર અપાશે તેવું સંબંધિત સુત્રોએ જણાવ્યું છે અને આગામી માસમાં સંભવતઃ આવાસ બનાવવાની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જણાયું છે. જો કે, આ કામગીરી પૂર્ણ થતા પણ આઠથી બાર માસનો સમય વીતી જશે તેવું પણ તેમણે જણાવ્યું હતું જેથી લાભાર્થી પરિવારોએ વહેલીતકે અટકેલું કામ શરૂ થાય અને પૂર્ણ પણ થાય તેવી માંગણી દહોરાવી છે. આ પ્રશ્ને અરજદારો કચેરીના કાયમી ચક્કર મારી રહ્યા છે.
