પાટણ જિલ્લામાં આયોજિત રોજગાર ભરતી મેળામાં ૩૭૨ ઉમેદવારોની પસંદગી કરાઈ કુલ ૧૧ જેટલી નામાંકિત કંપનીઓએ વિવિધ પોસ્ટ માટે કરી ઉમેદવારોની પસંદગી આજે રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા આયોજીત ભરતીમેળામાં અંદાજીત ૫૬૧થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી ૩૭૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. ગાંધી સ્મૃતિ હોલ, પાટણ ખાતે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ અને યુનિવર્સિટી રોજગાર અને માહિતી માર્ગદર્શન કેન્દ્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. રોજગાર ભરતીમેળામાં ધો.-૮ પાસ, આઈ.ટી.આઈ પાસ, ધો.૧૦ અને ૧૨ પાસ, ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કુલ-૧૧ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૪૦૦થી વધુ જુદી-જુદી ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ૧૧ જેટલી કંપનીઓએ ઉમેદવારોની પસંદગી કરી હતી. જુદી-જુદી પોસ્ટ જેમ કે, ટ્રેઈની, આસિ.ઓફિસર, મશીન ઓપરેટર, રિલેશનશીપ ઓફિસર, સેલ્સ એક્ઝીક્યુટીવ, આઈ.ટી.ક્લાર્ક, એકાઉન્ટન્ટ, વગેરે જેવી જગ્યાઓ માટે કુલ ૩૭૨ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ૩૭૨ ઉમેદવારોને રૂ.૧૦,૦૦૦ થી રૂ.૧૮,૦૦૦ સુધીની નોકરી આપવામાં આવતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી હતી. રોજગાર ભરતીમેળામાં વેલસ્પન ઇન્ડિયા લી.અંજાર, શિવશક્તિ બાયોટેક્નોલોજી લી.અમદાવાદ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ પાલનપુર, પુંખરાજ હેલ્થકેર પ્રા.લી. અમદાવાદ, ફ્યુઝન માઈક્રોફાયનાન્સ પ્રા.લી અમદાવાદ વગેરે જેવી નામાંકિત કંપનીઓએ હાજર રહીને પાટણના યુવાનોને ઘર આંગણે નોકરી આપી હતી. જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલ રોજગારવાંચ્છુઓને નામાંકિત કંપનીમાં નોકરી મળવાથી ઉમેદવારોના ચહેરા પર ખુશી છવાઈ હતી. વેલસ્પન ઇન્ડિયા લી.અંજાર ખાતે નોકરી મેળવેલ પાટણના ઉમેદવાર ભાર્ગવ પંચાલ હરખની સાથે જણાવે છે કે, ‘’આજે એક નામાંકિત કંપનીમાં નોકરી મળવાથી હું અને મારો પરિવાર ખુબ ખુશીની લાગણી અનુભવીએ છીએ. હું ઘણા સમયથી સારી નોકરીની શોધમાં હતો, ત્યારે આજે આ નોકરી મેળવીને હવે હું મારા અને મારા પરિવારના સપના પુરા કરી શકીશ. રોજગાર ભરતી મેળો કરવા બદલ ગુજરાત સરકારનો ખૂબ-ખૂબ આભાર’’. રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત આ ભરતીમેળામાં ૧૮ વર્ષથી ઉપરના ઉમેદવારોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક ખાસ મતદાર સુધારણા માટેની વ્યવસ્થા સ્થળ પર કરવામાં આવી હતી, જેમાં ૭૨થી વધુ ઉમેદવારોએ ચુંટણીકાર્ડમાં સુધારા-વધારા તેમજ નવીન ચુંટણી કાર્ડ બનાવવાની કામગીરીમાં ભાગ લીધો હતો. રોજગાર વિનિમય કચેરી દ્વારા અવારનવાર આવા ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે અને આવા અનેક યુવાનોને આવા ભરતીમેળા થકી નોકરી મળે છે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધિત અધિકારીશ્રી, દેના આર સેટી-પાટણના પ્રતિનિધિ તેમજ રોજગાર અધિકારી-પાટણ ઉપસ્થિત રહ્યા હતા.
