રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હરિધવા મેઇન રોડ પર આવેલ હરીયોગી લાઈવ પફમાંથી ઉત્પાદન કરેલ પફ માટેનો બટેટાનો મસાલાનો નમૂનો લીધો હતો. જેના રિ-એનાલિસિસ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ગૌરવ પ્રકાશભાઈ રૂપારેલીયાને રૂ.1,00,000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આવા પફ ખાવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. બાલક હનુમાન પાસે ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી તીખી પાપડીનો નમૂનો લીધો હતો. જેના રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ ફૂડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમુનો આપનાર પેઢીના સંચાલક ભાવેશભાઈ સામતભાઈ કારેણાને રૂ.10,000નો દંડ અને પેઢીના માલિક દિલીપભાઇ સામતભાઈ કારેણાને રૂ.25,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. મંગળા રોડ પર રૂપકલા નોવેલ્ટી સ્ટોરમાંથી ભેસના શુદ્ધ ઘીનો નમૂના લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા નમૂનો આપનાર રસીકભાઈ બાબુભાઇ સવસાનીને રૂ.10,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. કેવડાવાડી મેઇન રોડ પર ક્રિષ્ના ઘી ભંડારમાંથી ભેંસના શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. આ કેસમાં નમૂનો આપનાર કમલેશભાઈ હરજીવનભાઈ તન્નાને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મંગળા મેઇન રોડ, વિદ્યાનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન 5 પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપી હતી. જેમાં જલારામ પ્રોવિઝન સ્ટોર, ઝરીયા પાન, ઠાકર ફાસ્ટફૂડ, સારથી ફાર્મસી અને વેદ મેડિસીનનો સમાવેશ થાય છે.