જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાએ પંજો ફેલાવ્યો છે જેમાં અન્ય બીમારી વાળા દર્દીઓ કે જેઓ કોરોના નો શિકાર બનતા જાય છે, અને તમામને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી કેટલાક દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. રવિવાર અને સોમવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં આઠ દર્દીના મૃત્યુ પછી આજે મંગળવારે એકી સાથે પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં બે બાળકો અને એક યુવતીનો પણ સમાવેશ થાય છે. જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના કોવિડ વિભાગમાં પ્રથમ માળથી લઈને સાત માળ સુધી માં અલગ અલગ છ જેટલા વોર્ડ ખોલવામાં આવ્યા છે, અને તેમાં હાલ જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર જિલ્લાના 100થી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર માટે રાખવામાં આવ્યા છે. જેમાં 15 દર્દીઓની હાલત નાજુક છે, અને તમામને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ દર્દીઓ સૌરાષ્ટ્રની જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લીધા પછી તેઓની તબીયત લથડતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે, અને તેવા દર્દીઓ કે જે અન્ય બીમારીનો શિકાર બન્યા છે. સાથોસાથ કોરોના સંક્રમણ પણ લાગી ગયું હોવાથી જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં રવિવાર અને સોમવાર દરમિયાન 8 દર્દીઓના મૃત્યુ થયા હતા, ત્યાર પછી આજે મંગળવારે સવારે વધુ પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત હજુ પણ દર્દીઓની હાલત નાજુક ગણાવાઈ રહી છે. જેથી લોકોએ ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે.
next post