મુખ્યમંત્રીશ્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ પણ કરશે
(જી.એન.એસ) તા. 7
નર્મદા,
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા કરશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી પરિક્રમાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પરિક્રમાર્થીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રી નિરીક્ષણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.