પોરબંદર જેટ્ટીને મુખ્ય રસ્તા સાથે જોડતા ૩.૧૮ કિ.મી.ના રોડને ફોરલેન બનાવવા રાજ્ય સરકારે રૂ. ૧૪૫.૧૫ કરોડની દરખાસ્ત કરી
(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર/પોરબંદર,
મંત્રીશ્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત પોરબંદર પોર્ટે છેલ્લા પાંચ વર્ષમાં ૯૪.૫૦ લાખ મેટ્રીક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરીને રૂ.૧૦૦ કરોડ જેટલી આવક મેળવી છે.
વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, કાર્ગો પરિવહનના ભારણને ધ્યાને લઈ પોરબંદર જેટ્ટીને મુખ્ય રસ્તા સાથે જોડતા ૩.૧૮ કિ.મી.ના રોડનું વાઇડનિંગ કરીને ફોરલેન બનાવવામાં આવશે.
રાજ્ય સરકારે પોરબંદર જેટ્ટીને મુખ્ય રસ્તા સાથે જોડવા માટે કુલ રૂ. ૧૪૫.૧૫ કરોડની દરખાસ્ત કરી છે. જેમાં રોડ કામ, મરીન પોલીસ બ્રિજ, બાપા સીતારામ બ્રિજ, વિદ્યુતીકરણ, જમીન સંપાદન, ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન સહિતના વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.