કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ ખેડૂતોને લાભ અપાયો
(જી.એન.એસ) તા. 12
ગાંધીનગર,
રાજ્યના આદિજાતિ ખેડૂતોને આધુનિક તેમજ બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં અંદાજે ૫,૨૩૧ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી તાલુકાના આદિજાતિ ખેડૂતોનો સમાવેશ થાય છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રી શ્રી ડૉ. ડિંડોરે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનનું વડાપ્રધાન શ્રી મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાનને વધુ બળ આપવા આદિજાતિ ખેડૂતોને અડદ, તુવેર, જુવાર જેવા કઠોળની ખેતી માટે વિશેષ સહાય આપવામાં આવે છે. આ ખેડૂતો પરંપરાગત ખેતીથી બાગાયત ખેતી કરતા થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં કારેલા,ભીંડા,રીંગણ અને ટામેટા વગેરે શાકભાજી માટે બિયારણ સહાય આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, કૃષિ પાક માટે આદિજાતિ ખેડૂતોને સમયસર ગુણવત્તા યુક્ત બિયારણ અને ખાતર મળી રહે તે માટે અંદાજે રૂ.૫૩,૦૦ની કિંમતની કીટ વિના મુલ્યે આપવામાં આવે છે.આ કીટમાં ખાતર સ્વરૂપે DAP , પ્રોમ અને નેનો યુરિયા પણ આપવામાં આવે છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.