કુદરતે કચ્છને સુંદરતા ભરપૂર માત્રામાં આપી છે. રણ, ડુંગર અને દરિયો ધરાવતા આ પ્રદેશની અવનવી તસવીરો બહાર આવતી હોય છે. કચ્છના રણની પણ સેટેલાઇટ તસવીરો ભારત સહિત દુનિયા ભરની સ્પેસ એજન્સીઓ જાહેર કરતી હોય છે . તેવામાં હાલ ઘડુલી – સાંતલપુર માર્ગના ભાગરૂપે પચ્છમથી ખડીર ( ધોળાવીરા ) ને જોડાતા રણ રસ્તાનું કામ ચાલુ છે . માનવ ઇતિહાસમાં પ્રથમ વખત અહીં માર્ગ બની રહ્યો છે ! હાલ માત્ર માટીકામ થયું છે પણ વાહન – વ્યવહાર શરૂ થઇ ગયો છે . બન્ને બાજુ રણના લીધે આ માર્ગ પર અલૌકિક સુંદરતાનું નિર્માણ થાય છે . અનેક પ્રવાસીઓ તો આ માર્ગને સ્વર્ગના માર્ગ તરીકે ઉપમા આપી રહ્યા છે . હવે આ રસ્તાની પ્રથમ સેટેલાઇટ તસવીરો પણ મેળવી છે . અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અત્યાધૂનિક સેટેલાઇટ લેન્ડસેટ -૯ ના ડેટાનો ઉપયોગ કરી આ રણ રસ્તાની પ્રથમ વખતે સેટેલાઇટ તસવીર મેળવાઇ છે . જેમાં કચ્છના અફાટ મોટા રણને ચીરતો રસ્તો માટીની સીધી લીટી પ્રકારે સ્પષ્ટ દેખાય છે . તસવીરમાં કાળો ડુંગર અને ખડીરની ટેકરીઓ જોઇ શકાય છે . ઉપગ્રહ લેન્ડસેટ ૯ ને અમેરિકામાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો . નાસા ઉપગ્રહના નિર્માણ , પ્રક્ષેપણ અને પરીક્ષણની જવાબદારી સંભાળે છે , જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે ઉપગ્રહનું સંચાલન કરે છે અને ડેટા આર્કાઇવનું સંચાલન અને વિતરણ કરે છે . લેન્ડસેટ પ્રોગ્રામમાં તે નવમો ઉપગ્રહ છે . લેન્ડસેટ પ્રોગ્રામ પૃથ્વીની સેટેલાઇટ ઇમેજના સંપાદન માટે સૌથી લાંબા સમય સુધી ચાલતું કાર્યક્રમ છે . લેન્ડસેટ ઉપગ્રહોએ અત્યારસુધી લાખો તસવીરો મેળવી છે .
