(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં પોલીસ નેમપ્લેટવાળી કારે લોડિંગ રીશાને ટક્કર મારી હતી. તેના લીધે લોડિંગ રીક્ષા પલ્ટી ગઈ હતી. તેના લીધે લોડિંગ રીક્ષામાં બેઠેલા 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
જે કારથી અકસ્માત થયો તે કાર પર પોલીસ લખેલું હતું તેવી માહિતી સામે આવી છે. જેથી આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. સાથેજ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. કાર ચાલકનું નામ તરુણ પરમાર હોવાનું સામે આવ્યું છે અને તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી પણ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ચાંદખેડા IOC રોડ પર સ્નેહા પ્લાઝાની સામે ગંગા રામ ગુર્જર તેમના 11 વર્ષના પુત્ર શંકરને લોડિંગ રિક્ષામાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન, ‘પોલીસ’ લખેલી નેમપ્લેટવાળી ટિયાગો કારે પૂરપાટ ઝડપે લોડિંગ રિક્ષાને ટક્કર મારી. લોડિંગ રિક્ષા સાથે અથડાયા બાદ રિક્ષા પલટી ગઈ, જેના કારણે રિક્ષામાં સવાર પિતા-પુત્ર નીચે પડી ગયા. લોડિંગ રિક્ષા 11 વર્ષના છોકરા પર પડી ગઈ, જેના કારણે તેના ગળામાં ગંભીર ઈજાઓ થઈ.
આ ઘટનામાં પોલીસ નેમ પ્લેટવાળી કાર ચલાવનાર વ્યક્તિ તરુણ પરમાર હોવાનું બહાર આવ્યું છે. આરોપી તરુણ પરમાર અમદાવાદના મણિનગરમાં રહે છે અને મારુતિ કુરિયર કંપનીમાં કામ કરે છે તેવું બહાર આવ્યું છે. જોકે, પોલીસ કારના આગળના ભાગમાં પોલીસ નેમ પ્લેટના મામલાની તપાસ કરી રહી છે.
આ અંગે એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ પંચાલે જણાવ્યું હતું કે અકસ્માત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ કાર પર પોલીસ નેમ પ્લેટ કેમ લગાવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ અકસ્માત અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘ગાડીની સ્પીડ 100થી વધુ હોવાનો અંદાજ છે તેમજ ગાડી ચલાવનાર દારૂ પીધેલી હાલતમાં પણ હતો. વધુમાં પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘અકસ્માત સર્જાયા બાદ અમે પોલીસને કોલ કર્યા બાદ લગભગ એક કલાક સુધી પોલીસ પણ ઘટનાસ્થળે આવી ન હતી’