(જી.એન.એસ) તા. 3
અમરેલી/ગાંધીનગર,
અમરેલીના લેટરકાંડમાં બાબતે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, લેટરકાંડના આરોપી મનિષ વઘાસિયાના આક્ષેપો બાદ ફરી અમરેલી પોલીસ અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. મનિષ વઘાસિયાએ જેલમુક્ત થયા બાદ મીડિયા સમક્ષ આવી પોલીસ દ્વારા કેટલાક નામો લેવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. મનિષ વઘાસિયાના આ આક્ષેપો બાદ જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે અને પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. આ અંગે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી છે. સાથોસાથ સંઘાણીઓ ખુદનો પણ નાર્કોટેસ્ટ કરવાની તૈયારી બતાવી છે. સંઘાણીએ પત્રમાં સવાલ કર્યો છે કે અમરેલી પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાનુ જણાય છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.
દિલીપ સંઘાણીએ પત્રમાં આગળ લખ્યું કે, આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમ જ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલી અન્ય 2-4 વ્યક્તિનાં પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ, જેથી હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. આ સાથે દિલીપ સંઘાણીએ પત્રમાં આ કેસની તપાસ હાઈકોર્ટનાં સીટિંગ અથવા નિવૃત જજ દ્વારા કરવામાં આવે તેવી માગ પણ કરી છે.