(જી.એન.એસ) તા. 28
જામનગર,
લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત જામનગરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.
તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યુ હતું. કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું, અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.
આશરે આ ફીવરનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯ માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગોથી સંક્રમિત થયો હતો હવે ફરી પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
કોંગો ફિવરથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા. સંક્રમણના ૨ થી ૪ દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ મો, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.