(જી.એન.એસ) તા. 22
ગાંધીનગર,
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) સાથે મળીને, તારીખ 16મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી, 2025 દરમિયાન ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન કરી રહ્યા છે. આ પહેલોનો ઉદ્દેશ્ય નાગરિકોમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.
આ શ્રેણીમાં આજે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે એક મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300 થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને ઉર્જા સંરક્ષણ માટે રોજીંદી આદતોમાં ફેરફાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના રમણીય નેચર પાર્ક ખાતે ઊર્જા-વોક સહિતની આકર્ષક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ઊર્જા બચતના પગલાંની હિમાયત કરતા શક્તિશાળી સંદેશાઓ સાથેના પ્લેકાર્ડ સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉર્જા-વોકમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંદેશાઓ પર્યાવરણનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉર્જા બચાવવા માટે વ્યક્તિગત પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ઉર્જા સંરક્ષણ પખવાડિયું એ ટકાઉપણુંની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે, એમ ડૉ. નરોત્તમ સાહૂ , સલાહકાર, ગુજકોસ્ટએ જણાવ્યુ હતું. હરિયાળા, ઉર્જા-કાર્યક્ષમ ભવિષ્યને ઘડવામાં યુવા પેઢીની નિર્ણાયક ભૂમિકા છે, અને આ પહેલ તેમને ફેરફાર લાવવા માટે સશક્ત બનાવશે, એમ તેમણે ઉમેર્યું.
અશ્મિભૂત ઇંધણની જગ્યાએ રિન્યુએબલ ઊર્જા-સ્ત્રોતોનો ઉપયોગ થવો જોઈએ, એમ GEDAના વરિષ્ઠ પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ શ્રીમતી અમિતા પંડ્યાએ તેમના ઇન્ટરેક્ટિવ ટોક દરમિયાન જણાવ્યું હતું. એનર્જી કન્ઝર્વેશન ફોર્ટનાઈટ એ વિદ્યાર્થીઓને જોડવાની અને ટકાઉપણું અને ઊર્જા કાર્યક્ષમતા માટેના તેમના જુસ્સાને પ્રજ્વલિત કરવાની અદ્ભુત તક છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પર્યાવરણ ઉત્સાહીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, અને તેણે ઊર્જા વપરાશ અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થતા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આવા ઉર્જા સંરક્ષણ કાર્યક્રમો અને ઉર્જા વોક ગુજરાતના તમામ જિલ્લાઓમાં 31 મીજાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આવી આકર્ષક પ્રવૃત્તિઓ માટે GUJCOSTના રીજીયોનલ સાયંસ સેંટર અને લોક વિજ્ઞાન કેન્દ્રોની મુલાકત લો.