જામનગરના એક સોપારીના વેપારી પાસેથી ઉપલેટાના વેપારીએ ત્રણ તબક્કામાં રૂ. 2.35 લાખની સોપારીની ઉધાર ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે આપેલ ચેક બેન્કમાંથી રિટર્ન થતા ફરિયાદ નોંધાયા બાદ જામનગરની અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. જામનગરમાં સો5ારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી નામના વેપારીએ રૂ.2,35,000 કિંમતની સોપારીની ઉધારમાં ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે જુદી જુદી ત્રણ તારીખના ત્રણ ચેક વેપારીએ આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવાતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી જામનગરના વેપારીએ ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી સામે જામનગરની અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતમાં ફરીયાદી પક્ષ તરફથી રજૂ કરાયેલા દસ્તવેજી પુરાવા વગેરે અને કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત થતો હોવાનું ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમ એટલે કે રૂપિયા 4,70,000નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ થયો છે. દંડ ભરવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ મહિનાને કેદ ભોગવવા હુકમ કરાયો છે. સજાના હુકમ સમયે અદાલતમાં આરોપી વિશાલ અનિલભાઈ વાછાણી હાજર ન હોય અદાલતે તેની ગેરહાજરીમાં હુકમ જાહેર કર્યા પછી તેની સજાનું વોરંટ કાઢવા અને બજવણી માટે રાજકોટ એસ.પી. ને મોકલી આપવા આદેશ કર્યો છે.

previous post