મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC Group)ના CSR ભંડોળ હેઠળ દેશમાં પ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) ટેક્નોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ના નિર્માણ કાર્યનો નાણાં-ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ GSPCના આ સમાજ હિતકારી અભિગમની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે, અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘વિકસિત ભારત @ 2047’ના નિર્ધારમાં વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો છે. તેમણે આંગણવાડીમાં આવતા બાળકના ઘડતરમાં યશોદા માતા જેવા કર્તવ્યભાવથી બહેનો સેવારત રહે અને બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રહિત ઉજાગર થાય તેવા સંસ્કાર બાળપણથી જ કેળવવાનું અને ભાવિ પેઢીના ઉમદા ઘડતરનું કર્તવ્ય સકારાત્મક અભિગમથી નિભાવવાનું આહવાન કરવાની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા અદ્યતન, સુવિધાસભર તથા ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે પૂરતું ભંડોળ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.