(જી.એન.એસ) તા. 19
રાજકોટ,
રાજકોટમાં પોલીસને મળી છે એક મોટી સફળતા, રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. વૃધ્ધ મહિલાઓને ઘેનની દવા પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી નાસી છૂટતી બંટી-બબલીને તાલુકા પોલીસે દબોચી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
રાજકોટના મવડી કણકોટ રોડ પર લાલુભાઇ ટાઉનશીપમાં રહેતા 62 વર્ષના પુષ્પાબેન નકુમેં તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 14 ના રોજ મવડી પાળ રોડ પર આવેલ રામધણ આશ્રમ દર્શન કરવા ગયા હતા. જયાંથી તેઓને દવાખાને જવું હતું. જેથી સાવન ચોક પાસે પહોંચતા એક અજાણ્યા બહેન અને ભાઇ આવ્યા અને તેમને કહ્યં કે અમારે પણ દવાખાને જવું છે. ચાલો તમને સરકારી દવાખાને લઇ જવું . બાદમાં અજાણી મહિલાએ તેમને ઘેન વાળી ચા પીવડાવી જેથી તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા ત્યારે મહિલાએ બે લાંફા ઝીંકી સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે 150 ફુટ રીંગ રોડ પરથી પાટીદાર ચોક પાસેથી લૂંટ ચલાવનાર એભા કમા વાઘેલા અને નાથીબેન એભા વાઘેલાને ઝડપી પાડી સઘન પુછતાછ કરતા તેઓએ અગાઉ માધાપરના નાથીબેન પરમાર નામના 63 વર્ષીય વૃધ્ધાને પણ ગત તા. 23-12-2024ના કેફી પદાર્થ ભેળવી લચ્છી પાઇ લૂંટ ચલાવી હોવાનું પણ કબુલ્યું હતું. તેમજ તિલક પ્લોટમાં રહેતા જાનાબેન ખીમસુરીયા નામનાં 65 વર્ષીય વૃધ્ધાને પણ શરબતમાં કેફી પદાર્થ ભેળવી લૂંટી લીધા હતા. તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ નોંધાયેલ લૂંટના બનાવનો પણ ભેદ ઉકેલાયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જ પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. મોડસ ઓપરેન્ડી એવી હતી કે, બંટી અને બબલી ઘેનની દવાઓ મેડીકલમાંથી ખરીદી તેનો ભૂકકો કરી સાથે રાખતા હતા. અશક્ત મહિલા રોડ પર ભેગી થાય તો તેને મદદના બહાને કોઈ પણ પીણામાં ભેળવી વૃધ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓને ઘેનની દવા વાળું પીણુ પીવડાવી લૂંટ ચલાવતા હતા. આરોપીઓ વિરુદ્ધ કુલ 4 ગુનાઓ નોંધાયા છે અને તેઓની વિગતો લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ તો પોલીસે આ લૂંટારું બંટી-બબલીની ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.