(જી.એન.એસ) તા.૧૭
સુરત,
૭૦૦૦ વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે: સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોને સન્માનિત કરાશેઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે ‘નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઈન્ટર યુથ એવોર્ડ સેરેમની’ યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી કે.એસ.ઝવેરી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન શ્રી કે.જે.ઠાકર, શક્તિમાન સિરિયલથી પ્રખ્યાત થયેલા મુકેશ ખન્ના પણ વિશેષ ઉપસ્થિત રહેશે.ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ અને ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપના પ્રેસિડેન્ટ ઈન ચીફ શ્રી કે.એસ.ઝવેરીએ સુરત સર્કીટ હાઉસ ખાતે મીડિયા સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સ્કાઉટીંગ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર, પ્રામાણિકતા, સેવાભાવ, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રસેવાના ગુણો વિકસે તેમજ માનવાધિકારો વિષે બાળકો જાગૃત્ત થાય એ માટે સુરત ખાતે ૭૦૦૦ બાળકોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે. દેશના ૧૮ રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ શ્રીલંકાથી ૨ અને મલેશિયાથી ૧ સ્કાઉટસ ઉપસ્થિત રહેશે. સાથોસાથ સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોને સન્માનિત કરાશે. સ્કાઉટ & ગાઈડ પ્રવૃત્તિ દ્વારા બાળકના ચારિત્ર્યનું ઘડતર કરીને સારા નાગરિક બનાવવાનો મુખ્ય હેતુ છે. સ્કાઉટીંગ વિષે સમજ આપતા તેમણે કહ્યું કે, બાળકો નાનપણથી જ વિકટ સ્થિતિ, કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં મદદરૂપ થઈ શકે, મુશ્કેલીઓનું સમાધાન શોધી શકે એ માટે વિશ્વના ૨૧૮ દેશોમાં સ્કાઉટ & ગાઈડ સંસ્થાઓ કાર્યરત છે. આ પ્રવૃત્તિમાં દેશના ૪૬ સરકારી-ખાનગી એસોસિએશનો-એજન્સીઓ તેમજ ગુજરાતના ૨૭ જિલ્લા જોડાયેલા છે. આ પ્રકારના સમારોહ છેલ્લા ૧૫ વર્ષથી યોજવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપના ગુજરાત સ્ટેટ ચીફ કમિશનર સવિતાબેન પટેલ, રજિસ્ટ્રાર ટી.વી. જોશી, એક્ઝીક્યુટીવ પ્રેસિડેન્ટ મેકી અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.