Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

આપણી સંવેદનાઓને ભયંકર લૂણો લાગ્યો છે !

આપણી સંવેદનાઓને ભયંકર લૂણો લાગ્યો છે !

પ્રસિદ્ધ વાર્તાકાર/ નવલકથાકાર/ નિબંધકાર હિમાંશી શેલતને 12 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 5થી 7 વચ્ચે, જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, અમદાવાદ ખાતે સાંભળ્યા અને થયું કે હાશ, કોઈક તો છે સામાજિક નિસ્બતને પ્રાધાન્ય આપનારું ! હિમાંશી શેલત સાથેના સંવાદમાં પ્રશ્નો પૂછનાર હતા રામ મોરી.

હિમાંશી શેલતે કહ્યું : “બાળપણથી જ મને પ્રાણીઓ પ્રત્યે મને લગાવ છે. આત્મિયતા છે. મેં વર્ષોથી જાતને વચન આપેલ કે મારે ઘેર જે કોઈ પ્રાણી પોતાની મેળે આવશે તેને જાકારો નહીં આપું. એટલે આવતાં જ ગયાં. ખૂબ બધાં કૂતરાઓ, ખૂબ બધી બિલાડીઓ. ધીરે ધીરે સખ્ય ભાવ કેળવાયો. આટલો બધો સંકોચ વગરનો, ગણતરી વગરનો, કેવું દેખાશે તેની ચિંતા વગરનો પ્રેમ જો કોઈની પાસેથી મળે તો તે પ્રાણીઓ પાસેથી જ મળે, માણસ પાસેથી ક્યારેય નહીં…”

“પહેલીથી મારી પ્રકૃતિમાં છે કે મને લાગે કે આમાં પડવા જેવું નથી, કે આ મને સ્વીકાર્ય નથી, ત્યારે ના કહેતી વખતે બહુ વિચાર ન કરવો, કે ગણતરી ન કરવી, આમ કરવાથી હું અપ્રિય થઈશ કે કોઈની ગુડ બૂકમાં નહીં રહું, અથવા આમ કરવાથી કોઈ વસ્તુ ગુમાવવી પડશે. નામ કે કિર્તિ નથી જોઈતી. મારામાં સમાધાનની-બાંધછોડની વૃતિ ન આવી. કંઈ નથી જોઈતું ! આ કંઈ નથી જોઈતુંમાંથી ના મજબૂત થઈ. તેના કારણે મેં કશુંય ગુમાવ્યું નથી પણ ઘણાં સાથે બગડ્યું છે. મેં સમય મુજબ ઘણું છોડ્યું છે. નોકરી છોડી. ટ્રસ્ટ છોડ્યું, સુરત છોડ્યું. મેં કોઈ પરાક્રમ કર્યું છે એવું પણ નથી. સાદું જીવન જીવવા માટે પૂરતું છે. એક છાપરું જોઈએ. મેં સરસ પગારની નોકરી છોડી તે મારા જીવનનો સારામાં સારો નિર્ણય હતો, કેમકે મારા ઉત્તમ વર્ષો મને મનગમતા કામને આપ્યાં, પૂરો સમય આપ્યો. આપણી પાસે બધું હોય છે, સમય જ નથી હોતો. જેને જરુર છે તેને સમય આપવો બહુ મહત્વની વાત છે.”

“વાર્તાનું પહેલેથી ખેંચાણ હતું. હું કથા સાહિત્ય જ વાંચતી. ઉત્તમ વાંચું. 1987માં મારો પહેલો વાર્તાસંગ્રહ પ્કશિત થયો. એના ત્રણેક વર્ષ પહેલાં મેં વાર્તાઓ લખવાનું શરું કર્યું હશે. જેમ જેમ જીવનની નજીક આવતી ગઈ તેમ તેમ વાર્તાઓ લખાતી ગઈ. મને રસ માણસોમાં છે. પહેલાં મને પાત્ર મળે. પછી વાર્તા આવે. ઝૂંપડપટ્ટીઓમાં જવા લાગી, રેડ લાઈટ એરીયામાં જવા લાગી, રેલ્વે પ્લેટફોર્મ પર જવાનું શરુ કર્યું, એટલે એટલાં બધાં માણસો મળ્યા, એટલાં બધાં પ્રશ્નો, એટલી બધી પીડા; આ બધું પ્રત્યક્ષ થયું. ત્યારે મારી કલમ વેગમાં ચાલવા લાગી…મારી સ્પષ્ટ સમજ હતી કે વાર્તા ખોવાઈ જવી ન જોઈએ. સીધી ભાવકના હ્રદયમાં પહોંચવી જ જોઈએ. મેં જ્યારે લખવાનું શરુ કર્યુ ત્યારે એવો ઝોક હતો કે વાર્તા જેટલી ન સમજાય એટલી વાર્તા ઉત્તમ ! લખ્યું અને સમજાઈ ગયું તેને વાર્તા થોડી કહેવાય? ન સમજાય તેવી વાર્તા સમજાવવા વિવેચકો કલમ ઉપાડે તે તો અઘરું જ ! વાર્તા તો આવી ન જ હોવી જોઈએ. વાર્તામાં શું ન હોવું જોઈએ એની ખબર પડી. શું હોવું જોઈએ એની પછી ખબર પડી. ભાષાની ચબરાકી ઓછામાં ઓછી હોવી જોઇએ. સીધી વાત વધારેને વધારે હોવી જોઈએ. તમારે માણસના હ્રદય સુધી જ પહોંચવાનું છે. સંવેદનો પોતીકા બનતા ગયાં. જે લોકો બીજાનું જીવન જીવી શકે છે તે નસીબદાર છે. માત્ર પોતાનું જીવન જીવતા નથી. આપણે કેટલાં બધાંનું જીવન જીવી શકીએ છીએ. મર્યાદિત જીવનમાં, એક સાથે કેટલાં બધાં જીવન જીવી શકો છો, કોઈના જીવનમાં ઊંડા ઊતરી શકો છો, એ કેટલાં ભાગ્યની વાત છે. મેં લોકોની આંખો વાંચવાની સાધના કરી. એ બોલતો નથી પણ આંખોમાં પીડા છે. એ માણસની હોય કે પ્રાણીની હોય કે બાળકની હોય. એ પીડા પામવાનું કામ અને પછી એને વ્યક્ત કરવાનું કામ, કરવા જેવું છે એવું લાગ્યું અને લખાયું.”

“મને ઘણાં બધાં વાર્તાકારોમાં રસ પડ્યો. મારા સમકાલીન મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલની વાર્તાઓમાં રસ પડ્યો જ. ધીરુબેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રી આ બધાંની વાર્તાઓમાં રસ પડ્યો. સૌથી વધારે પ્રભાવ રહ્યો તે કેથરિન મેન્સફિલ્ડનો, જે માત્ર 34 વર્ષ જીવ્યા અને 75 જેટલી સરસ વાર્તાઓ આપી. મરાઠીમાં જયવંત દળવીથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મહાશ્વેતા દેવી પણ પ્રભાવિત હતી. હિન્દીમાં ફણિશ્વરનાથ રેણુ… આપણા જે ઉત્તમ વાર્તાકારો છે તેમનું કશુંકને કશુંક મને સ્પર્શતું રહ્યું. કોઈ વાતાવરણ કેવું સરસ ઊભું કરે છે, કોઈકની ભાષા કેવી સરસ છે, કોઈક આરંભ કેવો સરસ કરે છે, કોઈકનો અંત કેવો સરસ આવે છે, કોઈએ વિષય કેવો સરસ પસંદ કર્યો છે. જુદા જુદા વાર્તાકારો જ્યાં તેઓ ઉત્તમ વ્યક્ત કરી શક્યા હોય તે મને સ્પર્શે છે.”

“આપણી સંવેદનાઓને કેવો ભયંકર લૂણો લાગ્યો છે. આપણે ભયંકરમાં ભયંકર ઘટનાઓને સહજ માની બેસી રહીએ છીએ ! જાહેર રસ્તાના કોઈ છોકરીનાં ગળા પર છરી ફેરવી દે કે છોકરીનાં મોં પર એસિડ ફેંકે ત્યારે એનો વીડિયો ઉતરે પણ દોડીને એવી ઘટના અટકાવે તેવું ભાગ્યે જ બને છે. આ હિંસાચાર/ મોબ લિંચિંગ સામે આપણે ઉગ્ર પ્રતિભાવ આપ્યો જ નથી. કારણ કે આપણે કલ્પનાથી જે અનુભવી શકાય તે અનુભવવાની આપણામાં ખોટ છે. આપણે એ અનુભવી શકતા જ નથી. કથા સાહિત્ય પાસે એટલે જવાનું છે કે કાલ્પનિક અનુભવો તમને કેટલું બધું આપી શકે છે. આપણે એ ચૂકી ગયા છીએ. આપણે ભયંકર હિંસાચારમાં ખદબદી રહ્યા છીએ. મારી પેઢીના લોકોને લાગશે કે હવે જીવવા જેવું રહ્યું નથી. હવે ટકવું હશે તો શું જોઈને ટકીશું? કોની સામે નજર નાખીશું. એકલા પડ્યાનો અનુભવ થાય છે. એના વિશે વિચાર કરવાની દાનત પણ ઓછી થતી જાય છે. બસ આનંદ કરો, ઉત્સવ કરો, મજા કરો. આ કરો, તે કરો. દોડો, દોડો. દોડો ! બીજું કંઈ નહીં. જરા શાંતિથી વિચારીને ઊંડા ઊતરીને, અંદર જોઈને વિચાર કરીએ તો આપણો સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ! શું આને વિકાસ કહી શકીએ?”rs

संबंधित पोस्ट

MANN KI BATT

Karnavati 24 News

निकले थे चुहां चोर को पकड़ने, अंतराज्यीय चोर पकड़ में आया

Admin

रूसी तेल खरीद पर जयशंकर की यूरोपीय देशों को दो टूक

Karnavati 24 News

मेरठ – पुलिस ने छापा मारकर नकली स्टेरॉयड व फूड सप्लीमेंट किए बरामद

Karnavati 24 News

स्टीम पोहा खाये और अपना दिन हेल्थी बनाये। रेसिपी जानिए।

સરપ્રાઇઝ! Appleએ IPhone 14નું નવું વેરિઅન્ટ કર્યું લોન્ચ, જાણો શું છે તેમાં ખાસ

Karnavati 24 News
Translate »