(જી.એન.એસ) તા.૬
નડિયાદ,
નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલાને કેનેડાના વિઝા અપાવવાનો વિશ્વાસ આપી ઓવરસીઝ કંપનીએ રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે વિઝાનું કામ કરતી ત્રિપૂટી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકો નડિયાદ મિશન રોડ પર મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વૈભવીબેન આનંદ અમૃતભાઈ ઠાકોર મહેન્દ્ર કોટક બેંકમાં સિનિયર જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. જ્યારે તેમના પતિ ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. વૈભવીબહેન અને તેમના પતિને કેનેડા આલ્બર્ટા જવા માટે નડિયાદ પીપલગ રોડ ઉપર ઓમહાર્મની કોમ્પ્લેક્સમાં આવેલી બ્લુ સ્ટોન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક કરતા વિઝાનું કામ કરતા અનિલ સુનિલભાઈ પટેલ અને યશ સુનિલભાઈ પટેલે વિઝા ૧૫ દિવસમાં અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ આ એજન્ટે આલ્બર્ટના વિઝા નહીં મળે કહી ઓફર લેટરમાં ખોટી સહી કરી બ્રિટિશ કોલમ્બિયાનો વોટ્સઅપ પર લેટર મોકલી આપ્યો હતો. આમ ઓવરસીઝ કંપનીની ત્રિપૂટીએ વિઝાનું કામ ન કરી તેમજ પૈસા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે વૈભવીબેન ઠાકોરની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અભી સુનિલભાઈ પટેલ, યસ સુનિલભાઈ પટેલ તેમજ અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.