શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ મિત્રો ગેંગ બનાવી માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. ત્યાર હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણે મિત્રોની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ સાથે આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસેને આશંકા છે કે તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછમાં આરોપીઓના નામ દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત, શિવસિંગ ઉર્ફે આશુ સિકરવાર અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય ખાસ મિત્રો છે. આ ત્રણેય યુવકો સાંજે અથવા રાત્રિના સમયે માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા હતા. પરંતુ, એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવીને ચેઇનની લૂંટ કરતા હતા.
બે આરોપી અગાઉ પણ પકડાયા હતા
પૂછપરછમાં આરોપીઓ જણાવ્યું કે તેઓ માનતા હતા કે પુરુષો વદુ વજનવાળી ચેઇન પહેરતા હોય છે આથી તેઓ માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. તેમણે સ્વીકાર્યું કે મોજશોખ, બાઇક તથા મોબાઈલ ખરીદવા ચેઇન સ્નેચિંગના રવાડે ચઢ્યા હતા. આ પહેલા આરોપી શિવસિંગ અને દિલીપ હથિયારના ગુનામાં પકડાયા હોવાનું જણાયું હતું. આરોપીઓની ધરપકડ બાદ હાલ નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસને આશંકા છે કે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.