વડોદરાના પાદરામાં આવેલી એક જાણીતી હાઇસ્કૂલના સગીર વિદ્યાર્થીનું બે અજાણ્યા શખ્સે મોટરસાઇકલ પર આવી અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ ગામના છેવાડે આવેલી કેનાલમાં સગીર વિદ્યાર્થીને ફેંકી દીધો હતો. જો કે, વિદ્યાર્થીની બૂમો સાંભળીને સ્થાનિક ખેડૂતે તેને બચાવ્યો હતો. આ મામલે સગીર વિદ્યાર્થીના પરિજનો પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માટે ઉગ્ર માગ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરનું અપહરણ પ્રેમ-પ્રકરણમાં કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ખેડૂતે કેનાલમાં દોરડું નાખીને વિદ્યાર્થીનો જીવ બચાવ્યો
માહિતી મુજબ, પાદરામાં આવેલી એક જાણીતી હાઇસ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને બે અજાણ્યા શખ્સ મોટર સાઇકલ પર બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. ત્યાર બાદ નગરના છેવાડે પાતળીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હત્યા કરવાના ઇરાદે સગીર વિદ્યાર્થીને ફેંકી દીધો હતો. જો કે, વિદ્યાર્થીએ બૂમો પાડતા નજીકના ખેતરમાં કામ કરતા એક ખેડૂતે કેનાલમાં દોરડું નાખી તેનો જીવ બચાવ્યો હતો.
આ ઘટનાની જાણ સગીરના પરિજનોને થતાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માટે ઉગ્ર માગ કરી હતી. પાદરા પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરનું અપહરણ પ્રેમ-પ્રકરણ મામલે થયું હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.