



દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ આજે સ્થાનિક બજારમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતકનું નવું પ્રીમિયમ એડિશન લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરને તેના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોગ્રામ હેઠળ લોન્ચ કર્યું છે. નવી પ્રીમિયમ એડિશન બજાજ ચેતકના લોન્ચ સાથે, હાલના મોડલની કિંમત પણ અપડેટ કરવામાં આવી છે. હવે બજાજ ચેતક રેન્જની પ્રારંભિક કિંમત 1,21,933 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. જ્યારે પ્રીમિયમ એડિશન બજાજ ચેતકની કિંમત 1,51,910 રૂપિયા (એક્સ-શોરૂમ, બેંગલુરુ) થી શરૂ થાય છે.
બજાજ ઓટોએ આ સ્કૂટરના લોન્ચની સાથે નવા EV પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. કંપનીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન સપ્લાય ચેઇનનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, અને આ નવો EV પ્રોગ્રામ મુખ્ય વિક્રેતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. કંપની દાવો કરે છે કે આ નવો પ્રોગ્રામ માત્ર દર મહિને ચેતકના 10,000 કરતાં વધુ યુનિટની ઉપલબ્ધતાની ખાતરી જ નહીં પરંતુ ખર્ચમાં પણ ઘટાડો કરે છે જે ચેતકને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે.
બજાજ ચેતક પ્રીમિયમ એડિશન વિશે શું છે ખાસ?
આ નવા અવતારમાં ચેતકને પ્રીમિયમ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.હવે આ સ્કૂટર ત્રણ નવા આકર્ષક કલર્સમાં ઉપલબ્ધ થશે, જેમાં મેટ કોર્સ ગ્રે, મેટ કેરેબિયન બ્લુ અને સાટિન બ્લેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીએ સ્કૂટરમાં કેટલાક વધારાના ફીચર્સ પણ ઉમેર્યા છે, જેમ કે નવું ઓલ-કલર LCD કન્સોલ જે વાહનની માહિતીને અનુકૂળ રીતે પ્રદર્શિત કરે છે.
આ ઉપરાંત, પ્રીમિયમ ટુ-ટોન સીટ, બોડી કલર્ડ રીઅર વ્યુ મિરર્સ, સાટીન બ્લેક ગ્રેબ રેલ અને મેચિંગ પિલીયન ફૂટરેસ્ટ કાસ્ટીંગ તેના ક્લાસિક લુકને વધારે છે. જ્યારે હેડલેમ્પ કેસીંગ, બ્લિંકર્સ અને સેન્ટ્રલ ટ્રીમ એલિમેન્ટ્સ હવે ગ્લોસી ચારકોલ બ્લેક થીમથી સજાવવામાં આવ્યા છે.
બજાજ ચેતક પ્રીમિયમ એડિશન પહેલાની જેમ મેટલ બોડી અને ઓનબોર્ડ ચાર્જ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એપ્રિલ મહિનાથી તેની ડિલિવરી શરૂ કરવામાં આવશે. રસ ધરાવતા ગ્રાહકો કંપનીની ડીલરશીપ અને સત્તાવાર વેબસાઇટ દ્વારા આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ચેતક પહેલેથી જ 60 થી વધુ શહેરોમાં હાજર છે અને કંપની માર્ચ 2023 ના અંત સુધીમાં 85 શહેરોમાં લગભગ 100 સ્ટોર્સમાં ચેતક ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખે છે. આમાંથી 40 થી વધુ સ્ટોર્સ વિશિષ્ટ એક્સપિરિયન્સ કેન્દ્રો છે જે ગ્રાહકોને એક અલગ એક્સપિરિયન્સ પ્રદાન કરશે.
તાજેતરમાં, લાસ્ટ-માઇલ માઇક્રો-મોબિલિટી પાયોનિયર યુલુએ બે નવા ઇલેક્ટ્રિક વાહનો – મિરેકલ GR અને DX GRને બજાજ ઓટો લિમિટેડ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કર્યા. કંપનીનો દાવો છે કે Yuluની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI-સંચાલિત ટેક્નોલોજી અને બજાજ ઓટોનો વાહન ઉત્પાદન ક્ષેત્રે વર્ષોનો એક્સપિરિયન્સ નવા અને વધુ સારા વાહનો બનાવવામાં મદદ કરશે.