પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા મટન માર્કેટના ધંધાર્થીઓને નોટીસ પાઠવી ૭ દિવસમાં લાયસન્સ લઇ લેવા તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તો ગુરૂવારે મટન માર્કેટના ધંધાર્થીઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી લાયસન્સ કાઢવાની મુદતમાં વધારો કરી સહકાર આપવા રજૂઆત કરી હતી.
ગુજરાતમાં ગેરકાયદે રીતે ધમધમતા કતલખાનાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હીતની અરજીમાં સંબંધીત સત્તાવાળાઓને ઉધડો લીધો હતો. રાજ્યભરમાં જાહેરમાં અને ખુલ્લેઆમ ગેરકાયદે રીતે માસ-મટન વેચાણ કરતી મટન શોપ્સ તાત્કાલીક બંધ કરાવવા ગુજરાત હાઇકોર્ટે ફરમાન કર્યું હતું અને આ માટે સરકાર સત્તાવાળાઓને ૩૬ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં જિલ્લાની બકરા-ઘેંટા મટન વગેરે ધંધાર્થીઓને ત્યાં વિઝીટ કરવામાં આવી હતી. આ વિઝીટ દરમિયાન વેપારીઓ પાસે ફૂડ અંગેનું લાયસન્સનો અભાવ તેમજ અનહાઇઝેનીક ક્નડીશન (અસ્વચ્છ સ્થિતી)માં જોવા મળતા જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ૪૯ ધંધાર્થીઓ વિરૂદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા છે તેની હાલ કાર્યવાહી ચાલી રહી છે. બે દિવસ પહેલા જ પાલિકાએ મટન માર્કેટના ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી અને ૭ દિવસની અંદર લાયસન્સ સહિતની કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા. તો ૯ ફેબ્રુઆરી ગુરૂવારે મટન માર્કેટના ધંધાર્થીઓએ પાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે `અમે વર્ષોથી મટનનો ધંધો કરીએ છીએ, તેને લગતા મ્યુન્સીપલ કચેરીએ આપેલ મટન લાયસન્સ અમારી પાસે છે અમારા ઘરનું ગુજરાન આ ધંધા ઉપર જ ચાલે છે. પાલિકા દ્વારા ૭ દિવસની અંદર લાયસન્સ કાઢવી લેશો તેવી નોટીસ આપી છે.’ ગુરૂવારે ચીફ ઓફિસર સાથેની વાતચીતમાં રજૂઆત કરી હતી કે એન.ઓ.સી.ની માગ કરી હતી. વધુમાં ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે લાયસન્સ માટે ઓનલાઇન અરજી પણ અમારા દ્વારા કરવામાં આવી છે. પરંતુ લાયસન્સ કાઢવાની મુદતમાં વધારો કરવામાં આવે તો વેપારીઓ નવા લાયસન્સ વહેલી તકે કાઢવી શકે. મટન માર્કેટના વેપારીઓનું એવું પણ કહેવું છે કે તેઓ ૧૦૦ વર્ષ જૂના ધંધાર્થીઓ છે. નિયમીત પાલિકાને ભાડા પણ ભરે છે.
