Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા ઝાંપ ગામની દીકરીઓ નેશનલ ગેમ્સમાં લેશે ભાગ, જિલ્લામાં આવે છે પ્રથમ ક્રમે

નળકાંઠા વિસ્તારમાં આવેલું ઝાંપ ગામ…અતિ પછાત ગણી શકાય તેવું આ ગામ કોઈ વિશિષ્ટ રીતે જાણીતું નથી, પરંતુ દિવસ ઉગતા જ હોકી લઈને ફરતી દીકરીઓને કારણે આ ગામ આસપાસના વિસ્તારમાં કંઈક અંશે જાણીતું બન્યું છે. ગામની દીકરીઓ હોકી લઈને કેમ ફરે છે ? એવો સાહજિક પ્રશ્ન આપણને થાય, પરંતુ વાત હોકીની રમત સાથે સંકળાયેલી છે. ગામની દીકરીઓ અત્યારે નેશનલ ગેમ્સમાં સહભાગી થવા દિવસ રાત મહેનત કરે છે.

સમગ્ર અમદાવાદ જિલ્લામાં રમતના ક્ષેત્રમાં હોકીની રમતમાં પ્રથમ ક્રમાંકે આવનાર દીકરીઓની વાત જાણીએ,,, તો સાણંદ તાલુકાના નળસરોવરના ઝાંપ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક શ્રી પ્રવીણભાઇ પટેલની બદલી થતા તેઓ અહી આવ્યા. ત્યારે તેમણે જોયું કે અહી ભણવા માટે દીકરીઓને શાળામાં મોકલાવામાં આવતી નહોતી. માતાપિતા ઘરકામ અને ખેતરના કામમાં દીકરીઓને સાથે લઈ જતા હતા. દીકરીઓને ભણાવવાનું કોઇ વિશેષ મહત્વ આ પરિવારો માટે નહોતું એ સમયે પ્રવીણભાઇએ ખુબ મનોમંથન કર્યુ કે એવું શું કરી શકાય કે શાળા છોડીને ગયેલી આ દીકરીઓ ફરીથી શાળામાં ભણવા આવે!!!!
શાળામાં શિક્ષક તરીકે પ્રવીણભાઇ પટેલ રમત-ગમતના શિક્ષક તરીકેની ડીગ્રી હોવાથી જોડાયા હતા એટેલે તેઓ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અન્ય રમતો સારી રીતે રમાડી શકતા હતા.
તેમણે ઝાંપ ગામની દીકરીઓને હોકી રમાડવાનું બીડૂ ઝડપ્યું. અને એક તૂટેલી હોકીના આધારે દીકરીઓને હોકી શીખવવાનું શરૂ કર્યુ. થોડા સમય પછી તો શાળામાં ન આવતી દીકરીઓ પણ આ જોઈને શાળામાં આવવા લાગી અને હોકીની રમતને શીખવા માટે તત્પર બની ગઇ. સમય જતા હોકીની રમત માટે જરૂરી એવી એક ટીમ પણ બની ગઇ.
શિક્ષક પ્રવિણભાઇ પટેલની મહેનત રંગ લાવી અને ઝાંપ ગામની દીકરીઓ હોકીની ટીમ બનીને અન્ય ટીમ સાથે રમતમાં ઉતરવા તૈયાર બની ગઈ. ધીમે ધીમે સાણંદ તાલુકાની અન્ય શાળાઓ સાથે હોકીને સ્પર્ધા યોજાઇ અને તાલુકા કક્ષાએ રમતમાં આ દીકરીઓની ટીમ વિજેતા બનવા લાગી.
જિલ્લા કક્ષાએ રમવા જવા માટે શાળામાં હોકીની રમત માટે સાણંદ તાલુકા ક્ષેત્રે માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનુભાઇ બારોટે હોકી સ્ટીક્સ, અફલાતૂન દોડી શકાય તેવા શૂઝ, સોક્સ, હેલમેટ, ગ્લોવ્સ, પગમાં પહેરવાના પેડસ વગેરે સામાન શાળાને પહોચતો કર્યો.
મનુભાઈ કહે છે કે, ‘ગરીબ પરિવારની દીકરીઓ ક્યારેય ગામની બહાર પણ નહતી નીકળી એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય..! આ દીકરીઓ ગામ – તાલુકો છોડીને જિલ્લા કે રાજ્ય કક્ષાએ હોકી જેવી રમતમાં પોતાનું હીર ઝળકાવે તો એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત લેખાય ત્યારે માનવ સેવા ટ્રસ્ટ એ આ બીડું ઝડપ્યું…’ એમ તેમણે ઉમેર્યું હતું.
 ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ જેમાં ઝાંપની આ દીકરીઓ હોકીની રમતમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી. ત્યારબાદ રાજય કક્ષાની સ્પર્ધા વેરાવળ ખાતે યોજાઇ જેમાં આ ટીમ ક્વાટર ફાઇનલ સુધી પહોચી અને બેસ્ટ પરફોર્મ્સ આપ્યું. તાજેતરમાં શાળા કક્ષાએ રાજકોટ ખાતે યોજાયેલી મેચમાં પણ આ દીકરીઓ સેમિફાઇનલ સુધી પહોંચી હતી આ દીકરીઓ રાજ્ય કક્ષાએ ભલે હારી પરંતુ એમનો જુસ્સો જીત્યો છે.
ઝાંપ ગામની દીકરીઓ હજી પણ ખૂબ ઉત્સાહ પૂર્વક હોકી રમે છે.. અને હા નેશનલ ગેમ્સમાં રમવા માટે દિવસ રાત પ્રેક્ટિસ પણ કરે છે.

संबंधित पोस्ट

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ

Gujarat Desk

રાજકોટથી દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા બાદ બચાવ

Gujarat Desk

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા

Gujarat Desk

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Gujarat Desk
Translate »