રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યમાં 1 કરોડ જેટલા ધરો, તમામ તાલુકા, જિલ્લા કક્ષાની કચેરીઓ વગેરે જગ્યાએ તિરંગાઓ લગાવવામાં આવશે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અત્યારથી જ યોજવામાં આવી રહ્યા છે.
“હર ઘર તિરંગા” અભિયાન અને કલા ઉત્સવ અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે . જે હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજના સંયુકત ઉપક્રમે જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધામાં જિલ્લાભરના ૯૮૭૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક તાલુકાની ઉચ્ચતર, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં તિરંગા વિષય સાથે વકતૃત્વ, નિબંધ લેખન સ્પર્ધા, તિરંગા ચિત્ર, તિરંગા ગાયન વગેરે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઇને વિવિધ સ્પર્ધાના માધ્યમથી દેશભક્તિની ભાવના વ્યકત કરી હતી.
આ અભિયાનમાં અબડાસા તાલુકામાં ૮૨૦૦, અંજાર ૭૧૩૧, ભુજ ૨૧૨૫૧, ભચાઉ ૨૨૫૬૪, ગાંધીધામ ૮૬૬૮, લખપત ૨૦૨૩, માંડવી ૩૪૯૯, મુંદરા ૩૬૪૦, નખત્રાણા ૮૧૫૪ અને રાપર ૧૩૬૪૫ મળીને કુલ ૯૮૭૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.