મોટાભાગના દિવસોમાં આપણાં ઘરે બનાવેલું ભોજન વઘતુ હોય છે. જેમાં ખાસ કરીને રોટલી, ભાત અથવા તો દાળ તો વધતી જ હોય છે. જો કે વધેલી દાળ, ભાત અને રોટલીનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તમારા ઘરે દાળ વધે છે તો તમે દાળમાંથી પરાઠાં બનાવી શકો છો. આમ, જો તમારા ઘરે રોટલી વધે છે તો તમે એને ફેંકી દેતા નહિં. વધેલી રોટલીમાંથી તમે મસ્ત ટેસ્ટી-ટેસ્ટી ઉપમા બનાવી શકો છો. આ ઉપમા ખાવામાં હેલ્ધી હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો વધેલી રોટલીમાંથી ઉપમા..
સામગ્રી
વધેલી રોટલી
એક ઝીણું સમારેલું ટામેટું
એક ઝીણી સમારેલી ડુંગળી
ઝીણા સમારેલા લીલા મરચા
ઝીણા સમારેલા કેપ્સિકમ
રાઇ
હિંગ
લીલા વટાણા
સિંગદાણા
લાલ મરચું
ધાણાજીરું
એક નાની ચમચી લીંબુનો રસ
સ્વાદાનુંસાર મીઠું
બે ચમચી તેલ
ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત
- વધેલી રોટલીમાંથી ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ રોટલીનાં નાના ટુકડા કરી લો.
- હવે ગેસ પર તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, હિંગ, મીઠો લીમડો, લીલા મરચા નાંખો અને તતડાવો.
- ત્યારબાદ આમાં સમારેલી ડુંગળી નાંખો અને 5 મિનિટ માટે સાંતળો.
- ડુંગળી સંતળાઇ જાય એટલે એમાં ટામેટા અને કેપ્સિકમ નાંખો.
- આ બધી વસ્તુઓને 3 થી 5 મિનિટ સુધી ધીમા ગેસે થવા દો.
- ત્યારબાદ આમાં લાલ મરચું, મીઠું, હળદર અને સિંગદાણા નાંખો અને આ બધી વસ્તુ નાંખ્યા પછી 5 થી 7 મિનિટ ફરી થવા દો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે રોટલીના ટુકડા નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- બધી જ વસ્તુ બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે વધેલી રોટલીની ઉપમા
- આ ઉપમાને હવે તમે એક પ્લેટમાં કાઢી લો.
- ત્યારબાદ આ ઉપમા પર તમે કોથમીરથી ગાર્નિશ કરી લો.
- આ ઉપમા ખાવામાં હેલ્ધી હોય છે અને સાથે તમારે રોટલી ફેંકવાનો વારો પણ આવતો નથી. આ ઉપમામાં ઘરમાં પડેલી રોટલીનો ફરી વપરાશ થઇ જાય છે.