ડાયરા કલાકારો સમાજને પછાત બનાવે છે !
10-11 જાન્યુઆરી 2025ના રોજ, સોશિયલ મીડિયામાં ડાયરા કલાકાર બ્રીજરાજદાન ગઢવી અને દેવાયત ખવડની ડાયલોગબાજી ચાલી રહી છે. બન્ને એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે. જો કે બન્ને વચ્ચે ક્યારે સમાધાન થઈ જાય એનું નક્કી નહીં.
આ ઝઘડો એ સૂચવે છે કે ડાયરા કલાકારો શ્રોતાઓને ઉપદેશ આપે છે, સંસ્કૃતિની/ ખુમારીની વાતો કરે છે, તે માત્ર પોકળ અને દંભી હોય છે ! ડાયરા કલાકારોમાં જ સાત્વિકતા ન હોય તે સમાજને શું ઉપયોગી થાય? ડાયરા કલાકારો, ડાયરા આયોજકની જ્ઞાતિની ભરપુર પ્રશંસા કરે અને બીજી જ્ઞાતિના ડાયરામાં એવું તે ક્યું ટોનિક પી જાય છે કે ઝેર ઓકે છે ! તળિયું જ નહીં ! ડાયરા કલાકાર પોતાની ઉપર રુપિયાનો વરસાદ વરસાવવાનું ગુપ્ત આયોજન કરે છે અને દેખાદેખી/ અનુકરણના કારણે બીજા લોકો પણ રુપિયાનો વરસાદ કરવા જોડાય જાય છે. આશ્ચર્યની વાત એ છે કે રુપિયાનો વરસાદ કરનારા બૂચમારું હોય છે !
કોઈ પણ ડાયરાપ્રેમી વ્યક્તિમાં તમને નીચેના લક્ષણો જોવા મળશે : [1] તે જ્ઞાતિવાદી હશે. તે સમાજ / દેશ કરતાં પોતાની જ્ઞાતિનું ગર્વ કરતો હશે. [2] તે વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં જીવતો હશે ! [3] તે સંસ્કૃતિની વ્યાખ્યા પોતાની જ્ઞાતિ/ જાતિ/ વર્ણ મુજબ કરતો હશે. [4] તે લોકસાહિત્યના બદલે સંકુચિતતાને મહત્વ આપતો હશે.[5] તે ડાયરા કલાકારોની જ્ઞાતિ ગર્વની/ વર્ણ ગર્વની વાતોથી ફુલાઈને ન કરવાનાં કામો કરે છે ! [6] તે ડાયરા કલાકારોને યુનિવર્સિટી કરતાં વધુ મહત્વ આપતો હશે ! [7] તે સત્તાપક્ષનો અંધભક્ત હોય છે, કેમકે ડાયરા કલાકારો હંમેશા સત્તાપક્ષની ચાપલૂસી કરે છે. ડાયરા કલાકારો ક્યારેય અન્યાય/ શોષણ સામે અવાજ ઊઠાવતા નથી. કોઈ પણ ડાયરો નેહરુની આલોચના અને મોદીસ્તુતિ વિના પૂરો થતો નથી ! [8] તે પ્રગતિશીલ મૂલ્યો/ લોકશાહી મૂલ્યો/ માનવ મૂલ્યો કરતાં ડાયરા કલાકારની સામંતવાદી વાર્તાઓને વધુ મહત્વ આપે છે !
ડાયરા સાંભળવાનું બંધ કરો. ડાયરાના આયોજનથી દૂર રહો. નવી જનરેશને ડાયરાથી દૂર રાખો. એમાં જ સૌનું ભલું છે. ‘લોક ડાયરો’ એવું નામ અપાય છે પરંતુ તેમાં માણસાઈને બદલે જ્ઞાતિ/વર્ણના મિથ્યાભિમાનની જ બનાવટી વાર્તાઓ હોય છે ! ડાયરાથી દૂર રહો. મનોરંજનના અનેક માધ્યમો છે. ડાયરો તમારા મગજમાં જ્ઞાતિ/ જાતિ/ વર્ણની સંકુચિતતા રોપે છે. ડાયરા કલાકારોથી સમાજને કશોય ફાયદો થતો નથી. ડાયરા કલાકારો પણ કોર્પોરેટ કથાકારોની જેમ જ સમાજને પછાત બનાવે છે !rs