લીમખેડા જુથ પાણીપુરવઠા યોજના થકી અહીંના ૬૪ ગામોના ૧૩૩૨૭૬ લોકોની પીવાના પાણીની જરૂરીયાત સંતોષાશે. એટલું જ નહીં આ ભવિષ્યમાં વસ્તી વધીને બે લાખથી વધુ થઇ જાય તો પણ પીવાના પાણી માટેની સમસ્યા નહીં સર્જાય એ રીતનું આયોજન કરાયું છે. આ યોજના અંતર્ગત લીમખેડા તાલુકાના ૪૩, સીંગવડ તાલુકાના ૧૮, ઝાલોદ તાલુકાના ૩ એમ કુલ ૬૪ ગામોને લાભ મળશે. કડાણા બલ્ક પાઇપલાઇન આધારિત રૂ. ૧૦૧.૮૯ કરોડની લીમખેડા જુથ પાણી પુરવઠા યોજનાને વહીવટી મંજૂરી મળી છે અને તેની કામગીરીનો આજથી શુભારંભ કરાયો છે.લીમખેડા જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાભાર્થી ગામોને નવીન જુથ યોજનાના કરમદી હેડવર્કસ મારફતે વિતરણ વ્યવસ્થાની પાઇપલાઇન મારફતે જરૂરીયાત મુજબના સ્ટોરેજ સ્ટ્રકચર બનાવી ગામના સૂચિત ભૂર્ગભ સંપ સુધી પુરૂ પાડવામાં આવશે. યોજનાના સોર્સ તરીકે કડાણા ડેમ બલ્ક પાઇપલાઇન આધારિત યોજના અન્વયે ભાણાસિમલ ગામ નજીક બનાવવામાં આવનારા ઇન્ટેકવેલનો ઉપયોગ કરાશે.યોજનામાં કડાણા ડેમ આધારિત બલ્ક પાઇપલાઇન યોજનાના ઇન્ટેકવેલ થી કરમદી હેડવર્કસ સુધી કુલ ૪ પંપીગ સ્ટેશન દ્વારા પંપીગ કરી કુલ ૭૦ કિ.મી. પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરમદી હેડવર્કસ ખાતે પહોંચતો કરાશે. કરમદી હેડ વર્કસ ખાતે ૨૦.૭૦ એમએલડી ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે કુલ નંગ ૬૭ નંગ (૦.૧૦ લાખ લીટર ૩૮ લાખ લીટરની ક્ષમતા)ના સંપ તથા ૪૦ નંગ (૦.૨૦ લાખથી ૫.૫૦ લાખ લીટર સુધીની ક્ષમતા)ની ઉંચી ટાંકી, ૩૮૦૪૨૪ મીટર પીવીસી પાઇપલાઇન, ૮૯૧૦૬ મીટર મેટાલીક પાઇપલાઇન મારફતે સમાવિષ્ટ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના પૂર્ણ થયેથી સમાવિષ્ટ ગામોની ૧.૩૩ લાખની વસ્તીને દૈનિક ૧૦૦ લીટર માથાદીઠ પીવાનું પાણી મળી રહેશે.આ વેળા ધારાસભ્ય શૈલેષ ભાભોર સહિતના પદાધિકારી ઓ તેમજ યોજના સલગ્ન અધિકારી ઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
