પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બે પ્રાંતોમાં ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના પક્ષમાં નિર્ણય આપ્યા બાદ હવે સેના સાથે સમાધાનની પહેલ કરી છે. પરંતુ, તેની સાથે તેમણે પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સામે કોર્ટ માર્શલની માગ ઉઠાવીને નવો વિવાદ ઊભો કર્યો છે.
નિરીક્ષકોના મતે, બાજવા વિરુદ્ધ ઈમરાનનું નિવેદન એસ્ટાબ્લિશમેન્ટને ગમશે નહીં. પાકિસ્તાનમાં લશ્કરી અને ગુપ્તચર તંત્રનું નેતૃત્વ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે ઓળખાય છે. પાકિસ્તાનના બે પ્રાંત પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીની તારીખોની જાહેરાત થાય બાદ ઈમરાન ખાને પત્રકારો સાથે વાત કરી હતી. દરમિયાન, એક પ્રશ્ન પર, તેમણે ‘દેશના ભલા’ માટે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાત કરવાની ઓફર કરી. ઈમરાન ખાને કહ્યું કે, તેમનો એસ્ટાબ્લિશમેન્ટ સાથે કોઈ વિવાદ નથી, અને તેઓ આર્મી ચીફ જનરલ મુનીર સાથે વાતચીત માટે તૈયાર છે.
‘જનરલ બાજવાને ‘રશિયન વિરોધી ભાષણ’ આપવા બદલ કોર્ટ માર્શલ કરવું જોઈએ’
આ સાથે તેમણે કહ્યું હતું કે, જનરલ બાજવાને ‘રશિયન વિરોધી ભાષણ’ આપવા બદલ કોર્ટ માર્શલ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જનરલ બાજવાએ યુક્રેન પર હુમલા બાદ રશિયાની નિંદા કરીને તેમની પીઠમાં છરો માર્યો હતો. રશિયાએ ગયા વર્ષે યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્ય કાર્યવાહી શરૂ કરી ત્યારે ઈમરાન ખાન વડાપ્રધાન હતા. જે દિવસે આ કાર્યવાહી કરવામાં આવી હતી તે દિવસે ઈમરાન મોસ્કોમાં હતા. ઈમરાન પહેલા જ કહી ચૂક્યા છે કે તેમનો રશિયા સાથે એક કરાર છે, જે અંતર્ગત રશિયા પાકિસ્તાનને રાહત દરે ક્રૂડ ઓઈલ આપવા માટે રાજી થયું છે. પરંતુ, એસ્ટાબ્લિશમેન્ટે રશિયાની ખુલ્લેઆમ ટીકા કરીને અને તેમની સરકારને તોડવાના પ્રયાસમાં ભાગ લઈને તેમની યોજનાને નિષ્ફળ બનાવી.
પત્રકારો સાથે ઈમરાન ખાનની આ વાતચીત પહેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ જાહેરાત કરી હતી કે, બંને પ્રાંતોમાં 30 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં બંને રાજ્યોમાં 90 દિવસમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાઓને ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની જીત તરીકે જોવામાં આવી રહી છે. એવી માન્યતા છે કે, વર્તમાન શહેબાઝ શરીફ સરકાર ચૂંટણી મોકૂફ રાખવામાં વ્યસ્ત હતી.
પીટીઆઈ નેતાએ ઓડિયોને ફેક બતાવી
દરમિયાન, શુક્રવારે અહીં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને વિવાદ ઊભો કર્યો છે. આ ઓડિયો ક્લિપમાં પીટીઆઈ નેતા ફવાદ ચૌધરી પોતાના ભાઈ ફૈઝલ ચૌધરી સાથે ફોન પર વાત કરતા સંભળાય છે. ફૈઝલ ચૌધરી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. આ વાતચીતમાં ત્રણ ન્યાયાધીશોના નામ સાંભળવામાં આવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ હતા. તેમના સિવાય જસ્ટિસ મઝાહિર અલી નકવી અને લાહોર હાઈકોર્ટના જજ મોહમ્મદ અમીર ભાટીના નામ પણ આમાં સાંભળવામાં આવ્યા છે. બંને ભાઈઓ વચ્ચેની વાતચીત સૂચવે છે કે, ચૂંટણી કાર્યક્રમને લઈને કોર્ટના નિર્ણય પહેલા જસ્ટિસ બંદિયાલ અને જસ્ટિસ મઝાહિર સાથે પીટીઆઈ નેતાની મુલાકાત નિર્ધારિત હતી. પરંતુ, ફવાદ ચૌધરીએ આ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને દાવો કર્યો છે કે, તેઓ ક્યારેય ચીફ જસ્ટિસને મળ્યા નથી.