: પાટણ જૈન મંડળ મુંબઇ સંચાલિત બી.ડી.સાર્વજનિક વિદ્યાલય , એન.એસ. સુરમ્ય બાલવાટિકા પ્રાથમિક શાળા અને શ્રી બી.ડી.એસ.વી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો.ના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ ની થીમ પર આધારીત સ્પંદન ૨૦૨૧ નામના વાર્ષિક ઉત્સવ નિમિત્તે ચર્તુવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજે શુક્રવારે પ્રથમ ચરણમાં શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન અભિવાદન સમારોહ અને સંગીત કાર્યક્રમ ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઇ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . ભારતીય સંસ્કૃતિની પરંપરામુજબ મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો . ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું ગીતા પુસ્તક અને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો.બળદેવભાઇ દેસાઇ દ્વારા છેલ્લા ૭૭ વર્ષથી શિક્ષણની સુવાસ ફેલાવનાર બી.ડી.સાર્વજનિક વિદ્યાલયની સફરની યાદને તાજી કરી હતી . છોડ માંથી વટવૃક્ષ બનેલી આ શાળા આજે તેના ૭૭ વર્ષ પૂર્ણ કરી ૭૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ શાળાના ૩૨ તેજસ્વી તારલાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નીટની સ્પર્ધાત્મક પરીક્ષા , કલા ઉત્સવ , કોમર્સ વિભાગમાં ઉત્તમ પરીણામ મેળવનાર તેમજ અન્ય અભ્યાસક્રમો માં સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની દ્વારા દેશભક્તિના ગીતોથી સંગીતમય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ દિનેશભાઇ શાહ , રાજુભાઇ શાહ , ચિલ્ડ્રન યુનિવર્સિટીના અધ્યક્ષ કૃણાલભાઇ પંચાલ , ડો.યશવંતભાઇ ઝવેરી સહિત માધ્યમીક – ઉચ્ચતર માધ્યમિક – અને પ્રાથમિક શાળાના સ્ટાફ ગણ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .