ગણિતની અનુસ્નાતક યુવતી હિમાલયમાં માપી રહી છે સાહસના શિખરની ઊંચાઈ… હિમાલયમાં હાલમાં ચારેકોર એટલો બરફ જામ્યો છે કે જાણે કે વૃક્ષો પાંદડાઓ પર બરફની જમાવટ થી થીજી ગયા છે.કાશ્મીરમાં વિકટ બરફ વર્ષા ની ચિલ્લાઈ કલાં નામે ઓળખાતી મોસમ શરૂ થઈ છે.પવિત્ર કેદારનાથ ધામમાં અર્ધું શિવાલય બરફ થી ઢંકાઈ ગયું છે. તેવા સમયે વડોદરાની એક યુવતીએ હિંમતભેર કેદારનાથ વિસ્તારમાં આવેલા,પ્રમાણમાં નાના કેદારકંથા શિખરનું એકલ પર્વતારોહણ અભિયાન – સોલો એક્સપેડીશન હાથ ધર્યું છે.આ યુવતી નિશાકુમારી ગણિતમાં અનુસ્નાતક છે અને તેણે જાણેકે હિમાલયમાં આ અભિયાન દ્વારા સાહસના શિખરો ની ઊંચાઈ માપવાનું શરૂ કર્યું છે અને તેની સાથે તે સ્ટ્રોંગ ઇન્ડિયા સ્ટ્રોંગ બેટિયાં નો બેટી બઢાઓ નો પ્રેરક સંદેશ પર્વત વિસ્તારના ગામોની શાળાઓ,શિખર ચઢી રહેલા પર્વતારોહી જૂથો અને પર્વતારોહીઓ ની શિબિરોમાં આપી રહી છે. નિશાકુમારીએ શિતકાલીન સાહસની આ એકલ યાત્રા હેઠળ ચોવીસ કલાકમાં બે વાર કેદારકંથા ની ટોચ સુધી ચઢઉતર કરીને શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળવાનું ખાસ અભિયાન હાથ ધર્યું છે. તેણે વર્તમાન પ્રવાસમાં બે વાર સૂર્યોદય – સૂર્યાસ્ત દર્શન નો નજારો મન ભરીને માણી લીધો છે,સૂર્યની સાક્ષીએ ભારતીય તીરંગો લહેરાવ્યો છે અને ગુરુવારે ફરી એકવાર આ સાહસ હાથ ધરવાનું તેનું આયોજન છે. તેના માર્ગદર્શક અને પાલનપુરની રિબર્થ એડવેન્ચર સંસ્થાના પ્રણેતા નિલેશ બારોટ જણાવે છે કે આ શિખર લગભગ ૧૨૫૦૦ ફિટની ઊંચાઈએ આવેલું છે અને પ્રમાણમાં નાનો ગણાતો આ પર્વત પર્વતારોહણ ના પાઠો શીખવા માટે ખૂબ અનુકૂળ ગણાય છે.હાલમાં શિખર પર – ૭ ડિગ્રી જેવું આઇસ્કોલ્ડ વાતાવરણ છે અને વરસાદ તથા બરફ વર્ષા થાય છે. આવા વિષમ બરફાની વાતાવરણમાં આ યુવતીએ ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી શિખરની ટોચ સુધી ચઢી ઉતરીને,ટોચ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળવાનું સાહસ હાથ ધર્યું છે.બે વાર તેણે આ અભિયાન પૂરું કર્યું છે અને ગુરુવારે ફરી એકવાર તે આ સાહસ કરવા જઈ રહી છે. વધુ માહિતી આપતાં નિલેશભાઈ એ જણાવ્યું કે તળેટી થી આ શિખરની ટોચ સુધી બરફીલા રસ્તા પર લગભગ સાડા નવ થી દશ કિલોમીટરનું અઘરું ચઢાણ છે. અભીયાન હેઠળ સવારે તળેટી થી ચઢાણ શરૂ કરી સાંજ સુધીમાં પર્વતારોહી ટોચ પર પહોંચે છે અને સૂર્યાસ્ત નિહાળે છે.તે પછી લગભગ સાડા ત્રણ કિલોમીટર નીચે ઉતરી રાત્રી સમયે બેઝ કેમ્પમાં થોડો વિસામો લે છે.રાત્રે જ ફરી થી આ સાડા ત્રણ કિલોમીટર જેટલું આરોહણ કરી ટોચ પર પહોંચે છે અને ઉગતા સૂરજનો સાક્ષી બને છે.આમ,ચોવીસ કલાકમાં લગભગ ૧૭ કિમી ચઢી ઉતરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત પર્વત શિખર પર થી નિહાળવા માં આવે છે જે ખૂબ સ્ટેમિના,દ્રઢ સંકલ્પ,હિંમત અને સાહસ માંગી લે છે. નિશાકુમારીએ સાહસ ને જીવનનું લક્ષ્ય બનાવ્યું છે અને તેની સાથે સમાજ ઉપયોગી સંદેશ તે આપે છે.આ પહેલા તેણે મનાલી થી લેહ લડાખની સાયકલ યાત્રા કરી હતી અને તેની સાથે બેટી બઢાવો નો અને કોવિડ ની રસી સુરક્ષિત છે,રસી જરૂર મૂકાવો નો સંદેશ આપ્યો હતો.વડોદરામાં પોલીસ પરેડ મેદાનમાં ૨૪ કલાક સાયકલિંગ કરીને તેણે અનોખી રીતે સ્વતંત્રતા પર્વ ઉજવ્યું હતું. તે રનર,વોકર અને ટ્રેકર છે.માઉન્ટ આબુ સહિત હિમાલય વિસ્તારની સંસ્થાઓ માં તેણે પર્વતારોહણની વિધિવત્ તાલીમો લીધી છે. આઓ બનાયે સ્ટ્રોંગ ઇન્ડિયા,સ્ટ્રોંગ બેટીયા અભિયાન અંગે તે જણાવે છે કે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વડોદરામાં શહેર પોલીસની શી ટીમ પણ ખૂબ સક્રિય રીતે આ કામ કરી રહી છે.જરૂર આખા દેશમાં” વિશ્વના કોઈ દેશમાં ન હોય તેવું મહિલા સુરક્ષા નું વાતાવરણ” સર્જવાની છે.એટલે મારે શક્તિવાન દીકરીઓ થી શક્તિ સંપન્ન ભારતનો સંદેશ આપવો છે.મારા માતાપિતા હિંમતપૂર્વક મને આ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપી રહ્યાં છે એટલે જ હું એકલી આવા સાહસો હાથ ધરી શકું છું. ગણિતમાં અનુસ્નાતક આ દીકરી પર્વતોની ઉંચાઈઓ અને સાહસના સીમાડા નું માપ કાઢી રહી છે.ઉચ્ચ શિક્ષણની સાથે વ્યક્તિત્વ વિકાસ માટે સાહસિક પ્રવૃત્તિઓ હાથ ધરવાની જાણે કે તે પ્રેરણા આપી રહી છે.