(જી.એન.એસ) તા.૬
સુરત,
માતાએ જ્યારે ઘરે આવી જોયું તો પુત્રી મૃત અવસ્થામાં મળી આવતા ચોધાર આંસુએ રડવા લાગી હતી. સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો બન્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો છે. માતાએ મોબાઈલ છીનવી લેતાં પુત્રીએ માતાની ગેરહાજરીમાં ઘરે ગળોફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાયો છે. સુરતમાં પાંડેસરાના ચીકુવાડી વિસ્તારના આર્વિભાવ સોસાયટીમાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. વર્ષા નિષાદ નામની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી હતી. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે તેના સ્વાસ્થ્ય અને ભણતર પર અસર થતા બચવા માતાએ મોબાઈલ હાથમાંથી ઝૂંટવી લીધો હતો. તેમજ વધુ ફોન ન વાપરવા ટકોર કરી હતી. તેથી બાળકીને માઠુ લાગતા માતા જ્યારે શાકભાજી લેવા ગઈ ત્યારે પુત્રીએ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. પાંડેસરા ચીકુવાડી નજીક આવિર્ભાવ સોસાયટીમાં રહે છે. પિતા રાજન પ્રસાદ મીલમાં કામ કરે છે. બે દીકરીઓમાં વર્ષા મોટી દીકરી હતી જેને માતાની ગેરહાજરીમાં આવું પગલું ભર્યું છે. વર્ષા નિષાદે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતાએ જ્યારે ઘરે આવી જોયું તો પુત્રી મૃત અવસ્થામાં મળી આવતા ચોધાર આંસુએ રડવા લાગી હતી. બાદમાં પરિવાર અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માતાપિતાએ બાળકોને મોબાઈલનું વ્યસન દૂર કરવા પ્રેમથી સમજાવવા મનોવૈજ્ઞાનિકો સલાહ આપે છે.