પાટણમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોરોના મહામારીમાં માસ્ક વિના ફરતાં લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 17 દિવસમાં પોલીસ દ્વારા જિલ્લામાંથી રૂ. 1.33 લાખ દંડ વસૂલવામાં આવ્યો હતો. વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના સકંજામાં લઈ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આ મહામારીમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર બાદ હાલમાં સમગ્ર વિશ્વમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. નોંધનીય છે કે ત્રીજી લહેરમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોને પોતાનો સકંજો કસ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં લાખો લોકો આ નવા વેરીઅન્ટની મહામારીમાં સપડાયા છે. ત્યારે ભારત દેશમાં પણ નવા વેરીએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં પણ નવા વેરીઅન્ટનો એક કેસ નોંધાતા પાટણ જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરને પ્રસરતી અટકાવવા માટે કામગીરી આદરી દેવામાં આવી છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરની સૂચનાથી શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા તેમજ માસ્ક વિનાના ફરતા લોકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં પાટણમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન નીચે જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્કના દંડ વસૂલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ માસ્ક વિના પકડાતા લોકો પાસેથી રૂ. 1 હજાર દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં માર્ચ 2019થી કોરોનાનો પ્રારંભ થયો ત્યારથી સરકારની સૂચના મુજબ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં માર્ચ 2019થી 2021 સુધીમાં કુલ 83 હજાર 510 લોકો પાસેથી રૂ. 4 કરોડ 48 લાખ 01 હજાર 700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ છેલ્લા 17 દિવસમાં જિલ્લામાંથી રૂ. 1.33 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે.