



એર ઈન્ડિયાની ફલાઇટમાં થોડા દિવસ પહેલા નશામાં ધૂત પેસેન્જરે વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે એરલાઈન્સ કંપનીઓ તરફથી કેન્દ્ર સરકારને એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સોમવારે એરપોર્ટ સુરક્ષાના મુદ્દે એક બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન એર ઈન્ડિયાની આ આશ્ચર્ચજનક ઘટના પર ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ સિવાય એરપોર્ટ પર લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં 30 મિનિટ સુધી થઈ ચર્ચા:
એરપોર્ટ સુરક્ષા સાથે સંકળાયેલા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના વડા પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તાજેતરમાં થયેલા ગેરવર્તણૂકના મુદ્દે લગભગ 30 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. ગૃહ મંત્રાલયની ઓફિસમાં સવારે 11 વાગ્યે બેઠક શરૂ થઈ હતી.
આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં:
આપણે જણાવી જઈએ કે થોડા દિવસ પહેલા અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક પેસેન્જરે એક વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરી દીધો હતો. આ મામલે કડક વલણ અપનાવી આરોપી પેસેન્જરેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.આજે વહેલી સવારે દિલ્હી પોલીસે આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરી હતી અને તેને નવી દિલ્હી લાવી હતી.ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમિયાન આરોપી સતત પોતાનું નિવેદન બદલી રહ્યો હતો અને તપાસ અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, આરોપીએ પણ પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી હવે 11 જાન્યુઆરીએ થશે.