



પાકિસ્તાન: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભારત દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત દ્વારા આપવામાં આવેલા આ આમંત્રણને લઈને પાકિસ્તાનમાં ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો તેને પાકિસ્તાન પ્રત્યે ભારતના નરમ વલણની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. જો કે, ભારત, યજમાન તરીકે, SCO સમિટમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીને આમંત્રણ આપીને માત્ર એક ઔપચારિકતા અને બહુપક્ષીય પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની મીડિયાએ શાહબાઝ શરીફ સરકારને સલાહ આપી દીધી છે કે હવે સમય આવી ગયો છે, ભારત સાથે સંબંધો સુધારી લો, એમાં જ ભલાઈ છે.
પાકિસ્તાની મીડિયાએ કહ્યું- ભારત સાથે સંબંધો સુધારી લો
પાકિસ્તાની મીડિયામાં ઉઠેલી આ માંગ એ નિવેદન બાદ વધુ તીવ્ર બની છે જેમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સુરેશ કુમારે સૂચવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને હવે દાયકાઓ જૂના વિવાદનો અંત લાવવા જોઈએ અને સ્થિર આર્થિક સંબંધો પુનઃસ્થાપિત કરવા જોઈએ. પાકિસ્તાનના એક અખબાર અનુસાર સુરેશ કુમારે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. આપણે ન તો આપણો પાડોશી બદલી શકીએ છીએ અને ન તો દેશની ભૂગોળ બદલી શકીએ છીએ. એટલા માટે બંન્ને દેશો પોતાના સંબંધો સુધારે તે જ સારું છે.
પાકિસ્તાને ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનરની વાતની પ્રશંસા કરી
અખબારે તેના સંપાદકીયમાં લખ્યું છે કે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે કે પાકિસ્તાને ભારતીય અધિકારીને તેના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું અને તેણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની વાત કરી. હવે સમય આવી ગયો છે કે કોઈપણ પ્રકારના ધારદાર અને વિવાદાસ્પદ નિવેદનોના યુગનો અંત આવે. ખાસ કરીને કાશ્મીરને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા, હવે સમય આવી ગયો છે કે સંબંધોમાં સુધારો કરીને આર્થિક અને વેપારી સંબંધોમાં સુધારો કરવામાં આવે.
જણાવી દઈએ કે આ પહેલા સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતને મિત્ર ગણાવ્યું હતું, ભલે તેમની જીભ લપસી ગઈ હોય, પરંતુ હવે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો થતા દેખાઈ રહ્યા છે.